સત્યાગ્રહ છાવણી પર સુત્રોચ્ચાર કરતા 150થી વધુની અટકાયત
સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ પહોંચાડતા આરોગ્ય કર્મચારીઓ સાથે સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. વારંવાર આંદોલન અને લેખિત આશ્વાસન બાદ પણ સરકાર આ કોરોના વોરિયર્સના પ્રશ્ર્નોની ઉપેક્ષા કરે છે જેને લઇને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી આંદોલનના મંડાણ કર્યા છે.ત્યારે આજે ગાંધીનગની સત્યાગ્રહ છાવણી ઉપર ભેગા થયેલા દોઢસોથી વધુ આરોગ્ય કર્મચીઓને પોલીસે અટકાયત કરી છે.
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ પહોંચાડતા હેલ્થકર્મીઓ દ્વારા પોતાના પગાર, રજા, પ્રમોશન, સિનીયોરીટી સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે વારંવાર રજુઆત અને આંદોલન કર્યા બાદ પણ ન્યાય મળતો નથી સરકાર તરફથી ફક્ત લોલીપોપ જ આપવામાં આવે છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી પેનડાઉન કરીને આ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. વિવિધ કામગીરીનું રીપોર્ટીંગ બંધ કરીને લડત ચલાવવામાં આવી હતી તેમ છતા સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવતા આજે ગાંધીનગરમાં સમગ્ર રાજ્યમાંથી આરોગ્ય કર્મીઓ ઉમટયા હતા અને બે હજાર જેટલા કર્મચારીઓ સે-6ની સત્યાગ્રહ છાવણીએ ઉમટયા હતા.
- Advertisement -
અહીં આવીને સરકાર વિરૃધ્ધ સુત્રોચ્ચારો કરતા પોલીસ સક્રિય થઇ ગઇ હતી અને આ આરોગ્ય કર્મચારીઓને ડિટેઇન કરવાનો સિલસિલો શરૃ કર્યો હતો. પોલીસની બસો અને વાહનો ખુટી ગયા ત્યાં સુધી આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ ચોપડે 150 જેટલા કર્મચારીઓની અટકાયત બતાવવામાં આવી છે ઉપરાંત સેક્ટર-11માં પણ હેલ્થ વર્કર ભેગા થતા પોલીસ દોડતી થઇ હતી અને ત્યાંથી પણ આંદોલનકારી કર્મચારીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા.



