53 વર્ષથી ખેલાડીઓને ટ્રેનીંગ આપતું YCC કલબ ગુજરાત સ્ટેટ રેકિંગમાં ત્રીજા સ્થાને
ખેલાડીઓની પ્રતિભાને પારખી નજીવા દરે સઘન તાલીમ આપવામાં આવે છે
આપણે જાણીએ છીએ કે દુનિયામાં સૌથી વધુ રમાતી અને લોકપ્રિય રમત એ ફૂટબોલ- સોકર છે. આ રમત વિદેશમાં એટલી બધી લોકપ્રિય છે કે મેચ દરમિયાન જે-તે ટીમના સમર્થકો- દર્શકો વચ્ચે મેચ દરમિયાન જ ધીંગાણામાં ફેરવાઈ જાય છે. ક્રિકેટની જેમ જ દર ચાર વર્ષે આ રમતનો વિશ્ર્વકપ રમાય છે. આ રમત બે રીતે રમાય છે, જેમાં એકબીજા દેશો પરસ્પર રમે છે અને જે-તે દેશની કલબો એકબીજા સાથે રમે છે. આવી જ એક ક્લબ કે જે રાજકોટ ખાતે કાર્યરત છે કે જે ફૂટબોલ સાથે સંકળાયેલી છે તેની વાત કરવાના છીએ.
- Advertisement -
YCC (Young Challengers Club) એ રાજકોટ ખાતે રેસકોર્ષના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે હાલમાં કાર્યરત છે. આ કલબની સ્થાપના ઈ.સ. 1969માં એટલે કે આજથી લગભગ 53 વર્ષ પહેલાં થયેલી છે. જેની સ્થાપના મનુભાઈ વાઘેલા (વાઘેલા લોન્ડ્રીવાળા), દિલુભા વાળા (અશ્ર્વમેઘ ટ્રાવેલ્સ), જીવણસિંહ બારડ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફૂટબોલ કોચ), નંદકિશોર ત્રિવેદી (ગુજરાત એસ.ટી.), લાલસિંહ ચૌહાણ (રાજકોટ નાગરિક સહકારી બેન્ક) જેવા અન્ય પાયોનિયર્સ દ્વારા સ્થાપવામાં આવી હતી. કલબની શરૂઆત ડી. એચ. કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી થયેલ હતી. તે સમયથી આજદિન સુધી આ કલબ ખૂબ વધુ જોશથી- તાકાતથી ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેના દરેક શક્ય પ્રયત્નો કરે છે.
વાય.સી.સી. કલબ દ્વારા જુદા-જુદા એઈઝ ગ્રુપ એટલે કે અંડર-9, અંડર 12, અંડર 14, અંડર 17 અને સિનિયર એમ દરેક લેવલના બાળકોને ફૂટબોલની તાલીમ આપે છે તેમજ જુદી-જુદી ટુર્નામેન્ટ જેમ કે ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ઓપન ગુજરાત, ઓલ ઈન્ડિયા અને સંતોષ ટ્રોફી જેવી વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની ટીમો તૈયાર કરે છે અને તેમાં ભાગ લે છે. વાય.સી.સી. ક્લબ રાજકોટ લીગ, ખેલ મહાકુંભમાં ચેમ્પિયન, ઓપન ગુજરાતમાં રનર્સ અપ, જ્યોતિ કપમાં થર્ડ પોઝીશન, તેમજ અંડર-12, અંડર 14, અંડર 17માં ગુજરાત ચેમ્પિયન રહી ચૂકી છે.
વાય.સી.સી. કલબ દ્વારા રેસકોર્ષ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલની સઘન તાલીમ તાલિમબદ્ધ કોચ દ્વારા આપવામાં આવે છે. કલબ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન સાથે જોડાણ ધરાવતી અને માન્યતા ધરાવતી કલબ છે. ફૂટબોલની લોકપ્રિયતા ઓછી હોવાને લીધે કલબને પહેલેથી જ આર્થિક સહયોગ ખૂબ જ ઓછો મળે છે જેથી ફૂટબોલના વિકાસ માટે જરૂરી નાણાં ખર્ચને પહોંચી વળવા માટે ટ્રેનીંગ લેવા આવનાર બાળકો પાસેથી ફી લેવામાં આવે છે. રાજ્ય સરકાર તરફથી પણ કોઈ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી તેમજ ટુર્નામેન્ટ માટે કે ટ્રેનીંગ માટે સ્પોન્સરશીપ પણ મળતી નથી. ફૂટબોલના ડેવલપમેન્ટ માટે સ્ટેડિયમ, મેડિકલ ફેસિલીટી, ડ્રેસીંગ રૂમ, બાથરૂમ જેવી વિવિધ ફેસિલીટી ખેલાડીઓ માટે જરૂરી છે તે હાલમાં મળતી નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષથી બાળકોમાં ફૂટબોલ પ્રત્યેનું આકર્ષણ પ્રમાણમાં થોડુ વધ્યુ છે અને જેને ધ્યાનમાં રાખીને વધુ ફેસિલીટીની જરૂરિયાત પણ હાલમાં જણાય છે.
- Advertisement -
હાલમાં વાય.સી.સી. તરફથી આઈ-લીગમાં ભાગ લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે જેમાં સતત ચાર મહીના સુધી ટુર્નામેન્ટ ચાલુ રહેતી હોય જેના માટે બાળકોને સારામાં સારૂ કોચિંગ, ફિઝિયો, ગ્રાઉન્ડ મેઈન્ટેનન્સ વગેેરે જોઈએ જેથી બાળકોને સારો અનુભવ અને પ્રેક્ટિસ મળે છે. તે ટુર્નામેન્ટ માટે આશરે 10 લાખનો ખર્ચ થાય તેમ છે તો આ માટે કંપનીઓને સ્પોન્સરશીપ માટે આગળ આવવા માટે કલબ તરફથી અપીલ કરવામાં આવે છે. કંપનીઓના ક્લોઝમાં સ્પોર્ટસ પાછળ ચોક્કસ વાપરવી તેવી શરત હોય છે. વાય.સી.સી. ચેરિટી કમિશનરમાં રજિસ્ટર્ડ સંસ્થા છે જેથી તેને મળતું દાન કલમ 80-સી હેઠળ ટેક્સ ફ્રી બને તે માટે ઈન્કમટેક્સમાં રજૂઆત કરાઈ છે તો રાજકોટ- સૌરાષ્ટ્રની સંસ્થાઓ આ રમતને આગળ લાવવા સહાયરૂપ બને તેવી અપીલ કરાઈ છે.
વાય.સી.સી. દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘણા બધા ખેલાડીઓને આર.બી.આઈ., એસ.બી.આઈ, ઈન્કમટેક્સ, એ.જી. ઓફિસ, રેલવે, કોર્પોરેશન, પોલીસ, ઈન્ડિયન આર્મી જેવી વિવિધ સરકારી સંસ્થાઓમાં સ્પોર્ટસ ક્વોટામાં નોકરીઓ પણ મળેલી છે. જરૂરિયાતમંદ ખેલાડીઓને સરકારી નોકરી મળે તે માટે તેમને વાય.સી.સી. દ્વારા સઘન તાલીમ પણ આપવામાં આવે છે. આમ વાય.સી.સી.એ બાળકો- યુવાનોને સરકારી નોકરી મેળવવામાં પણ ઘણું મદદરૂપ થઈ રહ્યું છે.
હાલમાં વાય.સી.સી. કલબનું નામ ગુજરાતમાં તો છે જ અને તે ગુજરાત સ્ટેટ રેન્કીંગમાં હાલ ત્રીજા સ્થાને છે. કલબનું સ્તર હજુ વધુ ઊંચુ જાય અને ગુજરાત નહીં પરંતુ ઈન્ડિયા લેવલે ખૂબ જ આગળ વધે તેવા પ્રયત્નો સતત કરતા રહીએ છીએ, જે માટે જીવણસિંહ બારડ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોચ), લાલસિંહ ચૌહાણ (રાજકોટ નાગરિક બેન્ક), નંદકિશોર ત્રિવેદી (ગુજરાત એસ.ટી.), જયેશ કનોજિયા (એ.જી.ઓફિસ, કોચ વાયસીસી), મદનસિંહ ચૌહાણ (સેન્ટ પોલ ફૂટબોલ કોચ, નિવૃત્ત આર્મીમેન), દિલાવર રાઉમા (આર.કે.સી. ફૂટબોલ કોચ), અરવિંદ મકવાણા (સેન્ટ પોલ ફૂટબોલ કોચ), ધર્મેશ સોલંકી (વાયસીસી મેનેજર), માર્વીક ત્રિવેદી (કલબ મેમ્બર), ચૈતન્ય કરથીયા (કલબ મેનેજર) વગેરે દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે.
આ દરેક વ્યક્તિઓ રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સારા ફૂટબોલર બહાર આવે તે માટે સતત કોચિંગની નિ:શુલ્ક સેવાઓ આપી રહ્યા છે.