મનપાના પાપે મેળામાં આવતાં ભાવિકો પર જીવનું જોખમ
અંધેરી નગરીને ગંડુ રાજા : શું મનપા તંત્ર ભાવિકો માટે અહીં પુલ બનાવશે?
અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. કાવ્ય પંક્તિને જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રે સાર્થક કર્યું છે. મેળામાં પાણીની ટાંકીઓ મૂકી છે તેમાં ટાંકી નંબર 28 પર પાણી પીવા જવા માટે પુલની જરૂર છે. ટાંકીની બાજુમાં મોટો ખાડો છે જેના કારણે પાણી પીવા જવું મુશ્કેલ છે. શિવરાત્રિનાં મેળા પહેલાં વહિવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મોટી-મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ તૈયારીમાં અનેક ચૂક રહી ગઈ છે. મનપાની ચૂક ભાવિકો માટે જોખમી બની છે. મેળામાં આવતાં ભાવિકો પર જોખમ ઉભુ થયું છે. મેળા પહેલાં અધૂરી ટનલ ખુલ્લી મૂકી દીધી છે. બાદ હવે પાણીના ટાંકીને લઈ વિવાદ થયો છે. પાણીની ટાંકીઓ નીચે મૂકી દીધી છે. જેના કારણે પાણીની ટાંકી અડધી ખાલી જતાં પાણીનો ફોર્સ પણ ઓછો થઈ જાય છે એટલું ઓછું હોય તેમ મેળામાં મૂકવામાં આવેલ ટાંકી નંબર 28ની બાજુમાં ખાડો ખોદવામાં આવ્યો છે અને બાજુમાં પાણીના નળ રાખવામાં આવ્યા છે. પાણી પીવા જવું મુશ્કેલ બન્યું છે. લોકો જીવના જોખમે પાણી પીવા જાય તેવુ બન્યું છે. મહાનગરપાલિકાએ વધુ એક વખત પોતાની અનઆવડત પૂરવાર કરી છે અને અંધેરી નગરી ને ગંડુ રાજા પંક્તિને સાર્થક કરી બતાવી છે.
- Advertisement -
ઓનલાઈન ટાંકી કરતાં પહેલાં વ્યવસ્થિત કરો
મનપાએ દાવો કર્યો છે 8 પાણીની ટાંકીને ઓનલાઈન કરી છે. પાણી ખાલી થતાં મનપા કર્મચારીઓને મેસેજ મળશે. આવા ડીંડક કરવા કરતાં યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.
દામોદર કુંડની ટનલ પાણી કાંકરીથી ભય
- Advertisement -
દામોદર કુંડની બાજુમાં ટનલ મૂકવામાં આવી છે. ઉતાવળા કામના કારણે કાંકરી પાથરી દેવામાં આવી છે જેના કારણે વાહન સ્લીપ થઈ રહ્યાં છે અને અકસ્માતનો ભય ઉભો થયો છે.
જૂનાગઢ મનપાનાં હેલ્પલાઈન નંબર પર સતત ઘોંઘાટ
મનપા દ્વારા માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. માહિતી કેન્દ્રના 0285-2620180 અને 0285-2653820 નંબર જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ યાત્રીઓ આ નંબર ઉપર ફોન કરે તો સતત ઘોંઘાટ આવે છે. સામે અવાજ પણ સંભળાતો નથી.


