જૂનાગઢ ‘શિવ’ના રંગે રંગાશે
ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ: 150 જેટલા ધૂણા પ્રજ્વલ્લિત થશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં ભવનાથ ધર્મક્ષેત્રમાં આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થશે. મેળાને લઈ વહિવટી તંત્ર, મનપાએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આવતીકાલ સવારે ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. જો કે કોરોનાના કારણે બે વર્ષથી મેળો થયો ન હોય ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે. ભવનાથમાં યોજાનાર શિવરાત્રિનાં મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તારીખ 25 ફેબ્રુઆરીથી ભવનાથમાં શિવરાત્રિનાં મેળાનો પ્રારંભ થશે, અને 1 માર્ચના રાત્રિનાં મેળો પૂર્ણ થશે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મેળો થયો ન હતો. ચાલુ વર્ષે મેળાને મંજૂરી મળતાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આવતીકાલે સંતો-મહંતો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે ભવનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ થશે. બાદ ભવનાથમાં આવેલા ત્રણ અખાડા પર ધજા ચડાવવામાં આવશે અને સાથે ભવનાથમાં પધારેલા દિગંબર સાધુઓ ધૂણા પ્રજ્વલિત કરશે. આ ઉપરાંત ભવનાથમાં આવેલા નાના-મોટા તમામ મંદીરે પણ ધજા ચડાવવામાં આવશે. આવતીકાલથી ભવનાથ અને આખું જૂનાગઢ શિવમય બની જશે.
અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા
મેળામાં આવતા ભાવિકોની સેવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. આવતીકાલથી મેળો શરૂ થતો હોય અન્નક્ષેત્રો ધમધમવા લાગશે. હરી-હરનો સાદ મેળામાં સંભળાતો રહેશે.
2800 જેટલી પોલીસ બંદોબસ્તમાં
શિવરાત્રિનાં મેળામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે. શહેરના જુદા-જુદા માર્ગો પર રાવટી ઊભી કરવામાં આવી છે. મેળાનાં પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે. મેળામાં ડીવાયએસપી., પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન મળી અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત રહેશે.
- Advertisement -
C.R. પાટીલે ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં
ગુજરાત રાજ્યનાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા અને મેળાને લઈ ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.


