એલસીબી, એસઓજી અને ડી સ્ટાફના કર્મચારીઓ સાદાં કપડામાં તૈનાત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ભવનાથમાં યોજાનાર શિવરાત્રિનાં મેળાને લઈ પોલીસ બંદોબસ્તની તૈયારી ચાલી રહી છે. એસ.પી. રવી તેજા વાસમશેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભવનાથ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકનાં પ્રશ્ર્ને ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે શિવરાત્રિનાં મેળામાં મોબાઈલ ચોર, ખીસ્સાકાતરુ, પિકપોકેટિંગ, છેડતી, કેફીપીણું પીને ફરતા તત્ત્વોને રોકવા પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. આવા બનાવો રોકવા માટે એલસીબી, એસઓજી અને ડી સ્ટાફના માણસો ખાસ સાદા કપડામાં તૈનાત રહેશે. મેળામાં સતત ફરતા રહી ગુનેગારો ઉપર વોચ રાખશે. આ ઉપરાંત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવ્યા છે, તેમજ મેળામાં ચોરી કરતા પકડાય તે શખ્સોને મેળો પૂર્ણ થાય ત્યાં સુધી જેલમાં રખાશે તેમજ લોકો જાગૃત થાય તે માટે અભિયાન પણ ચલાવાશે.


