તાકીદે કાર્યવાહી કરવા પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા કેમેરા એસો. રાજકોટની માંગ
ઉગી નીકળેલા ફેસબુકીયા પત્રકારોથી મહાનુભવોના કાર્યક્રમોમાં વાતવરણ ડોળાઈ છે
સાચા પત્રકારો માટે પ્રજાના મનમાં ગેરસમજણ ઉભી થાય છે : સરકાર ચોક્કસ નીતિ નક્કી કરે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાંક સમયથી સ્થાનિક જિલ્લાઓમાં અને રાજયકક્ષાએ ન્યુઝ ચેનલો, વેબ ચેનલો અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના રજીસ્ટ્રેશન અંગેની કોઇ ચોકકસ માર્ગદર્શિકા અમલમાં નથી. પરિણામે સોશિયલ મીડિયા જેવા કે યુ-ટયુબ, ફેસબુક વગેરે જેવા પ્લેટફોર્મ ઉપર સાવ ઓછી સંખ્યામાં ફોલોઅર ધરાવતાં હોવા છતાં મોટી સંખ્યામાં માત્ર મોબાઇલ અને બુમ જેવા સાધનો લઈ આવીને ઉગી નીકળેલા પત્રકારો રાજય સરકારના અગત્યના કાર્યક્રમોમાં અગત્યની ન્યુઝ ચેનલો અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓની આડે આવીને કવરેજ માટે અવરોધ ઉભા કરતાં હોય છે . આ કહેવાતાં પત્રકારો કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન પણ ધરાવતા નથી. જેથી તેઓની સામે કોઇ પ્રશ્નો ઉભા થાય તો કાયદાકીય કાર્યવાહી કરી શકાય.રાષ્ટ્ર્રીય અને લોકલ નેટવર્કની ચેનલો અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ રાજય સરકારમાં નોંધાયેલાં હોય છે.
જે લોકજાગૃતિ અને સરકારની વિકાસ યોજના અને કયારેક સરકાર અને પ્રજા વચ્ચેના મહત્વની કડી બનવાનું પણ કામ કરે છે. તાજેતરમાં મુખ્યમંત્રીના રોડ શો અને અન્ય કાર્યક્રમના સમયે આશરે 200 જેટલા મોબાઇલ અને બુમ લઇને આવી પડેલાં કહેવાતાં પત્રકારા ધક્કામુકી કરી રાજ્ય-નેશનલ ચેનલોને અવરોધરૂપ બન્યા હતાં. આવા સમયે તંત્રએ રોડ શોના કવરેજ માટે વાહનની વ્યવસ્થા કરી તેમાં કલેકટર રાજકોટની સૂચના અનુસાર માહિતી અધિકારી જાતે ઉપસ્થિત રહી વ્યવસ્થા જાળવવામાં લાગ્યા હતાં.
- Advertisement -
આમ છતાં આટલાં બધા ફુટી નિકળેલા કહેવાતાં પત્રકારોએ અનેક જગ્યાએ મુખ્યમંત્રીના કાર્યક્રમનું કવરેજ કરવામાં અડચણો ઉભી કરી હતી. આવા અનેક બનાવો રાજકોટ શહેરમાં બન્યા છે. આવા લેભાગુ પ્રકારના ઉભા થયેલાં પત્રકારો દ્રારા સ્થાનિક લેવલે સમાંતરે એસોસિએશન પણ બનાવવામાં આવે છે.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી અને શહેર પોલીસ દ્રારા કેટલાંક સમય પહેલા રાજકોટના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માન્ય પ્રતિનિધિઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતાં. જો આ પ્રકારના ઓળખકાર્ડ સ્થાનિક કક્ષાએથી અપવામાં આવે તો આ પ્રશ્ર્ન કંઇક અંશે હલ થઇ શકે તેમ છે. અમારો હેતુ માત્ર કોઇને અવરોધ ઉભો કરવાનો નથી. પરંતુ અમારી કામગીરી સરળતાથી અને પ્રામાણિકતાથી કરી શકીએ તેમજ ચોથી જાગીર તરીકે પ્રતિમાને ઝાંખપ ના લાગે તે જ છે.માહિતી ખાતા દ્વારા જિલ્લા તંત્રમાં મીડિયા વ્યવસ્થાઓ-મીડિયા મેનેજમેન્ટ સુચારૂ રીતે થઇ શકે તે માટે માહિતી ખાતાની અલગ અલગ જિલ્લા કચેરીઓ દ્વારા સર્વ સામાન્ય અને એકસુત્રતા જળવાઇ રહે તેવી વ્યવસ્થાઓ માટે માર્ગદર્શિકા બનાવવા માટે લેખિત અને મૌખિક રજુઆતો કરી પણ છે. પરંતુ આ બાબતે આગળ કોઇ કાર્યવાહી થઇ નથી. અમારી માગણી એવી છે કે, સરકાર કોઈ ચોક્કસ માર્ગદર્શિકા બનાવે. જેથી સાચા પત્રકારોને માનસિક પ્રતારણામાં રાહત રહે.
બોગસ પત્રકારોથી પીડિત છો? એસો.નો સંપર્ક કરો
સૌરાષ્ટ્ર્રની રાજધાની રાજકોટમાં બોગસ પત્રકારોનો રાફડો ફાટયો છે. રાજકોટના મીડિયાએ માહિતી ખાતા પાસે કરી કાર્યવાહીની માંગ કરી છે. રાજકોટ શહેરમાં વેબ ચેનલના નામે ધતિંગ ચાલતા હોવાના અનેક સવાલો ઉભા થયા છે. જેમાં બોગસ પત્રકારો અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં અનેક પોલીસ સ્ટેશનમાં આ બાબત ફરિયાદો પણ થઇ છે અને તેની સામે પોલીસે અટકાયતી પગલાં પણ લીધા છે પરંતુ સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિક ન્યુઝ પેપરના રજિસ્ટ્રેશન કરાવી અને તેનો ભયંકર રીતે ગેરઉપયોગ ચાલી રહ્યો છે. જેની સામે રાજકોટનું રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનીક મીડિયા કેમેરામેન એસોસિએશને લાલ આંખ કરી માહિતી ખાતામાં ફરિયાદરૂપી અરજી કરી છે. જો આમ જનતા આનાથી પીડિત હોય તો નીચેના અમારા હોદ્દોદારો જેમાં પ્રમુખ અશોકભાઇ બગથરિયા અને ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ સરવૈયા (ગુજરાત મિરર પ્રેસ ફોટોગ્રાફર)નો સંપર્ક કરી મદદ મેળવી શકો છો.