વાંચીને આશ્ચર્ય થાય તેવી બાબત જરૂર છે કારણકે પવનપુત્ર હનુમાનને આપણે હંમેશાથી જ પુરૂષત્વનાં દેવતા તરીકે પૂજ્યા છે.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
જૂના જમાનાનાં અખાડામાં શરીર-બાંધાની દ્રષ્ટિએ હનુમાનની મૂર્તિને સૌથી આદર્શ માનવામાં આવતી હતી તથા આજના કેટલાક જીમમાં પણ તેમની બાવડેબાજ તસ્વીરો જોઈને કસરત કરનારાઓને પ્રેરણા મળે છે. વિશ્વનાં સર્વપ્રથમ અને અત્યાધિક જૂના બોડી-બિલ્ડરમાં હનુમાનની ગણના થાય છે, ત્યારે આ પ્રશ્ર્ન થવો સાવ સ્વાભાવિક છે કે એવું કયું મંદિર છે જ્યાં તેઓ સ્ત્રી સ્વરૂપમાં પૂજાય છે અને શા માટે? છત્તીસગઢનાં બિલાસપુર જિલ્લાથી લગભગ 25 કિલોમીટર દૂર રતનપુર નામનું એક નાનકડું ગામ વસેલું છે, જે ‘મહામાયા નગરી’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ ભારતની બે વિશેષતાઓ સંઘરીને બેઠું છે.
સર્વપ્રથમ તો મહામાયા માતાનું મંદિર અને બીજું ગિરજાબંધ હનુમાન મંદિર! ભારતનું એકમાત્ર ધર્મસ્થળ, જ્યાં હનુમાન નારી સ્વરૂપે બિરાજી રહ્યા છે.
- Advertisement -
તેમની મૂર્તિનો આયુકાળ દસ હજાર વર્ષથી પણ પુરાણો હોવાની માન્યતા છે. લોકોમાં ગિરજાબંધ હનુમાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે. તેઓ માને છે કે નારીરૂપ હનુમાનના દર્શન સૌથી વધુ કલ્યાણકારી અને શુભપ્રેરક છે!
નિર્માણગાથા : રતનપુરનાં રાજા પૃથ્વી દેવજૂને થઈ પ્રેરણા!
એવું માનવામાં આવે છે કે દસ હજાર વર્ષ જૂના ગિરજાબંધ મંદિરમાં સ્થાપિત મૂર્તિ રતનપુરના રાજા પૃથ્વી દેવજૂને થયેલી સ્ફૂરણાનું ફળ છે. રાજાને કોઢનો રોગ લાગુ પડી ગયો હતો, જેના લીધે તેમને રાત-દિવસ તબિયત વિશેની ચિંતાઓ એમને સતાવ્યા કરતી હતી. પોતે આવડો મોટો રાજા હોવા છતાં શારીરિક અસ્વસ્થતાને કારણે નિ:સહાય છે, એ વાત તેને અંદરોઅંદર પરેશાન કરી રહી હતી. અન્ય રાજા-રજવાડાઓને ત્યાં કામ કરતાં વૈદ્યોને આમંત્રણ મોકલવામાં આવ્યા. ભાતભાતની દવાઓ તેમજ જડીબુટ્ટીઓનો આશરો પણ લેવાયો. જરૂર પડે તો શસ્ત્રક્રિયા કરાવવા સુધી રાજા તૈયાર હતાં. પરંતુ એકપણ ઉપાય કારગત ન નીવડ્યો. આખરે તમામ વૈદ્યોએ હાથ ઊંચા કરી દીધા! કોઢને લીધે રાજા પૃથ્વી દેવજૂ કોઈની સાથે શારીરિક સુખ નહોતાં માણી શકતાં. તેમનું આખું જીવન જાણે સાવ નિરસ બની ગયું હતું. એક રાત્રે તેમણે નિર્ણય કર્યો કે આવી જિંદગી જીવવા કરતાં મરી જવું બહેતર છે! વિચારતાં-વિચારતાં તેઓ નિદ્રાધીન થઈ ગયા.
સ્વપ્નમાં રાજાએ જોયું તો સામે સાક્ષાત સંકટમોચન હનુમાન! પરંતુ તેમનું આવું રૂપ તેમણે પહેલા ક્યારેય નહોતું જોયું. નારી-સ્વરૂપ પ્રતીત થઈ રહેલા હનુમાનના એક હાથમાં લાડુ ભરેલી થાળી અને બીજા હાથમાં રામ મુદ્રા અંકિત થયેલી હતી. કાનમાં ભવ્યાતિભવ્ય ચમકદાર કુંડળનું તેજ અને માથા પર સુંદર મુકુટ માળા! અષ્ટ શ્રૃંગારયુક્ત હનુમાનજીની દિવ્ય મંગલમય મૂર્તિએ રાજા પૃથ્વી દેવજૂને કહ્યું કે ‘હે રાજન, હું તારી ભક્તિથી અતિપ્રસન્ન છું. તારું કષ્ટ જરૂરથી દૂર થશે. એક મંદિરનું નિર્માણ કરાવી તેમાં મારી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવ. આ સાથે મંદિરનાં પાછળનાં ભાગે એક તળાવ ખોદાવવાનું પણ શરૂ કર. ત્યાંથી જે જળધારા પ્રાપ્ત થાય તેમાં સ્નાન કરી મારી વિધિવત પૂજા કર. આટલું કર્યા બાદ તું કોઢમુક્ત થઈ જઈશ અને ભવિષ્યમાં કોઈ રોગ તને લાગુ નહીં પડે!’
- Advertisement -
એવું માનવામાં આવે છે કે દસ હજાર વર્ષ જૂના ગિરજાબંધ મંદિરમાં સ્થાપિત મૂર્તિ રતનપુરના રાજા પૃથ્વી દેવજૂને થયેલી સ્ફૂરણાનું ફળ છે
રાજાની આંખો સવારે ખૂલી, તો તેણે આજુબાજુ નજર ફેરવી. ઘડીભર લાગ્યું કે હજુ પોતે સ્વપ્ન જોઈ રહ્યો છે. હનુમાનજીએ કહેલી વાતોનું સ્મરણ થતાં તેણે ત્વરાથી પોતાનો નિત્યક્રમ પૂરો કરી રાજસભાનાં વિદ્વાનોને તેડું મોકલાવ્યું. વિદ્વાનોએ પણ રાજાને કહ્યું કે મંદિરનું નિર્માણ તો થવું જ જોઈએ. રાજાએ એ દિવસથી કારીગરો પાસે ગિરજાબંધમાં મંદિરનું ચણતર શરૂ કરાવી દીધું. જોતજોતામાં તો બાંધકામ પૂરું પણ થઈ ગયું. ફરી એક નવો પ્રશ્ન ઉભો થયો કે મંદિરનાં ગર્ભગૃહમાં સ્થાપન કરવા માટેની મૂર્તિ ક્યાંથી લાવવામાં આવે? થોડા દિવસો બાદ રાજાને ફરી એક સ્વપ્ન આવ્યું, જેમાં હનુમાને તેમને કહ્યું કે મા મહામાયાનાં કુંડની ભીત્તર હજારો વર્ષ પહેલાની મારી મૂર્તિ અપૂજિત અવસ્થામાં પડેલી છે, તેને બહાર કાઢી મંદિરમાં તેનું સ્થાપન કરો!
તાબડતોબ બીજા દિવસે રાજા પોતાના પરિવારજન અને પુરોહિતો સાથે મા મહામાયા દેવીનાં દરબારમાં ગયા. ઘણા દિવસો સુધી ત્યાંના કુંડમાં હનુમાનજીની મૂર્તિની શોધખોળ ચાલી, પરંતુ કશું જ હાથ ન લાગ્યું. સૌ કોઈ હતાશ થઈ ગયા. હવે તો રાજાએ પણ આશા છોડી દીધી. તેણે પોતાની સેનાને ફરી રાજમહેલ પરત ફરવાનો આદેશ આપ્યો. આમ છતાં રાજાનાં ભક્તિભાવમાં રત્તીભરનો ફેરફાર ન આવ્યો. તે નિયમિતપણે હનુમાનની આરતી કરીને પ્રજાજનોનાં સુખ-દુ:ખ સાંભળતો. દરરોજ તેમનો જીવ કચવાતો કે હનુમાનજીની આજ્ઞાનું તેઓ પૂર્ણપણે પાલન ન કરી શક્યા.
એક રાત્રે ફરી તેમને સ્વપ્નમાં હનુમાને દર્શન આપ્યા, કહ્યું કે ‘રાજન, તું હતાશ ન થઈશ! તારી શોધખોળમાં થોડીક ખામી રહી ગઈ છે. મા મહામાયાનાં ઘાટ પાસે જઈને તપાસ કર. જ્યાં લોકો સ્નાન કરે છે, પાણી ભરે છે એ બાજુ જઈને ખોદકામ કરાવ; તને મારી મૂર્તિ અવશ્ય મળી આવશે.’ સવારે ઉઠીને ઘાટ પર જઈ તેણે ખોદકામ ચાલુ કરાવ્યું. થોડું અંદર ખોદતાંની સાથે જ મૂર્તિ દેખાવા માંડી. આશ્ચર્યજનક બાબત તો એ હતી કે રાજાએ પોતાનાં સ્વપ્નમાં હનુમાનનું જે નારી-સ્વરૂપ જોયું હતું, એવું જ અદ્દલોદ્દલ રૂપ મૂર્તિનું પણ જોવા મળ્યું. મૂર્તિનાં અંગ-ઉપાંગોમાંથી દિવ્ય તેજ વરસી રહ્યું હતું. અષ્ટ શ્રૃંગારયુક્ત હનુમાનજીના એક ખભા પર ભગવાન રામ અને બીજા ખભા પર લક્ષ્મણ બિરાજેલા હતાં. તેમનાં ચરણકમળ હેઠળ નિશાચરોનું ઝૂંડ કચડાયેલી અવસ્થામાં જોવા મળ્યું. મૂર્તિ મળી જવાથી રાજાએ પણ આખરે રાહતનો શ્વાસ લીધો. મૂર્તિનાં દેખાવ વિશે આજુબાજુનાં ગામોમાં ચર્ચા થવા લાગી. રાજા પૃથ્વી દેવજૂએ એક સારો દિવસ પસંદ કરી વિધિ-વિધાનપૂર્વક મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી. મંદિરનાં પાછળનાં ભાગે ખોદાવેલ તળાવનું નામ તેણે ગિરજાબંધ રાખવાનું નક્કી કર્યુ. મૂર્તિનાં સ્થાપન બાદ જોતજોતામાં રાજાનો કોઢ પણ દૂર થવા લાગ્યો. જેનાં લીધે ગામવાસીઓને હનુમાનમાં પૂર્ણપણે શ્રધ્ધા બેસી ગઈ. રાજા પૃથ્વી દેવજૂ પૂર્ણ સ્વસ્થ બની ગયા. તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી કે ‘જેમ મારા કષ્ટનું આપે નિવારણ કર્યુ છે, એ જ રીતે અન્ય શ્રધ્ધાળુઓની સમસ્યાનો પણ ઉકેલ લાવજો, પ્રભુ!’
સ્થાનિક લોકોમાં માન્યતા પ્રવર્તે છે કે હનુમાને સ્વપ્નમાં આવીને જે આજ્ઞા આપી એની પાછળ ખરેખર રાજા પૃથ્વી દેવજૂ ઉપરાંત અન્ય ભક્તોનાં કષ્ટ-નિવારણનો પણ હેતુ છુપાયેલો હતો. દક્ષિણામુખી હનુમાનની આ મૂર્તિનું ધ્યાનથી અવલોકન કરશો તો સમજાશે કે તેમાં પાતાળ-લોકનું ચિત્રણ છે. અહિરાવણનો સંહાર કરતી વેળાનું આ દ્રશ્ય છે, જ્યાં હનુમાનનાં એક પગ હેઠળ અહિરાવણ અને બીજા પગ હેઠળ કસાઈ જોવા મળે છે. એક ખાસ વાત એ કે છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 84 કિલોમીટર અંતરે આવેલી રમઇ પાટમાં પણ આવી જ એક પ્રતિમા જોવા મળે છે, પરંતુ તેને મંદિરનાં ગર્ભગૃહને બદલે પટાંગણમાં સ્થાપિત કરવામાં આવી છે!