આજે પણ ભારે વરસાદની સંભાવના : પિચનો સ્ક્વેર કવરથી ઢાંકવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને વરસાદના કારણે વાનખેડે સ્ટેડિયમ ખાતે બુધવારે પોતાના પ્રેક્ટિસ સેશન રદ કરવા પડયા હતા. વરસાદના કારણે પિચને કવરથી ઢાંકી દેવામાં આવી છે. બંને ટીમ મંગળવારે કાનપુરથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા મુંબઇ પહોંચી હતી. બુધવારે બંને ટીમે નેટ્સ કરવાની હતી પરંતુ વરસાદે તેમની યોજના ઉપર પાણી ફેરવી દીધું હતું.
સાઉથ મુંબઇમાં સતત વરસાદ પડી રહ્યો હોવાના કારણે બંને ટીમો વચ્ચેની બીજી ટેસ્ટ ઉપર તેની અસર પડી શકે છે. ગુરુવારે પણ ખરાબ હવામાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
જો સતત વરસાદ ચાલુ રહેશે તો બંને ટીમને પ્રેક્ટિસ વિના જ ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરવું પડશે. મેચ દરમિયાન પાછળથી હવામાનમાં સુધારો થાય તેવી સંભાવના છે. કાનપુર ટેસ્ટ ડ્રો રહ્યા બાદ બંને ટીમ શ્રોણી જીતવા માટેના તમામ પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડ માટે ભારતની ધરતી ઉપર ઐતિહાસિક શ્રોણી વિજયની તક રહેશે. વાનખેડે ખાતે પાંચ વર્ષ બાદ કોઇ ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત છેલ્લે 2016માં આ ગ્રાઉન્ડમાં ટેસ્ટ રમ્યું હતું અને ઇંગ્લેન્ડને એક દાવ અને 36 રનથી પરાજય આપ્યો હતો.