અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના તોફાનને કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ઇન્ટરસ્ટેટ હાઇવે પર 100થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 30થી વધુ સેમી-ટ્રેલર ટ્રક પણ ફસાયેલા છે. અકસ્માતની ગંભીરતાને જોતાં પોલીસે હાઈવેના બંને તરફનો ટ્રાફિક બંધ કરી દીધો છે.
ક્યાં અને કેવી રીતે બની ઘટના?
- Advertisement -
આ ભીષણ દુર્ઘટના મિશિગનના ગ્રાન્ડ રેપિડ્સ શહેર પાસે ઇન્ટરસ્ટેટ 196 પર બની હતી. બરફીલા તોફાનને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે વાહનો એક પછી એક અથડાતા ગયા. ઘણી ગાડીઓ બરફને કારણે રસ્તા પરથી લપસીને નીચે ઉતરી ગઈ હતી. મિશિગન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ સદભાગ્યે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી.
‘આગળ કંઈ દેખાતું નહોતું’
મીડિયા સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે બર્ફીલી હવા અને હિમવર્ષાને કારણે આગળ ચાલી રહેલી ગાડીઓ પણ માંડ દેખાઈ રહી હતી. એક પીકઅપ ડ્રાઈવરે કહ્યું, “હું 20-25 માઈલ પ્રતિ કલાકની ધીમી ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો, છતાં માંડ માંડ મારા વાહનને રોકી શક્યો. પાછળથી સતત વાહનો ટકરાવાનો અવાજ આવી રહ્યો હતો. પરિસ્થિતિ ખૂબ જ ડરામણી હતી.”
- Advertisement -
હજારો લોકો ફસાયા, સ્કૂલમાં અપાયો આશરો
ઓટાવા કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે આ વિસ્તારમાં અનેક જગ્યાએ નાના-મોટા અકસ્માતો થયા હતા. હાઈવે પર ફસાયેલા સેંકડો મુસાફરોને બસ દ્વારા નજીકની હડસનવિલ હાઈ સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ તેમના પરિવારજનોનો સંપર્ક કરી શક્યા અને ઘરે જવાની વ્યવસ્થા કરી શક્યા.
હાઇવે કલાકો સુધી બંધ, વહીવટીતંત્રે આપી ચેતવણી
પોલીસે જણાવ્યું કે ફસાયેલા વાહનોને હટાવવા અને રસ્તા પર જામેલા બરફને સાફ કરવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામમાં ઘણા કલાકો લાગી શકે છે, ત્યાં સુધી ઇન્ટરસ્ટેટ-196 બંધ રહેશે.
અમેરિકાના ઘણા રાજ્યોમાં બરફીલા તોફાનની અસર
અમેરિકાના ઘણા રાજ્યો હાલમાં બરફીલા તોફાનનો સામનો કરી રહ્યા છે. નેશનલ વેધર સર્વિસે ઉત્તરી મિનેસોટાથી લઈને વિસ્કોન્સિન, ઇન્ડિયાના, ઓહાયો, પેન્સિલવેનિયા અને ન્યૂયોર્ક સુધી અત્યંત ઠંડા હવામાન અને બરફના તોફાનની ચેતવણી જારી કરી છે.




