વડાપ્રધાનના આગમન પૂર્વે ડાક-ડમરૂના નાદ સાથે નીકળી પદયાત્રા
ગિરનારના સંતો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
સોમનાથ ’સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સોમનાથમાં દિવ્ય માહોલ જોવા મળી રહ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિત દેશભરના 500થી વધુ સાધુ-સંતોએ શંખ સર્કલથી મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. ડમરૂના ગુંજારવ અને 75 ઢોલ વાદકોની તાલબદ્ધ પ્રસ્તુતિ સાથે નીકળેલી આ રવેડીએ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું.
મહાનુભાવો અને સંતોનો સંગમ આ પદયાત્રામાં રાજ્યના મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુ સહિતના ઉચ્ચ સંતો અને સાંસદો જોડાયા હતા. માર્ગમાં પુષ્પવર્ષા સાથે સાધુ-સંતોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પદયાત્રા બાદ તમામ મહાનુભાવો અને સંતોએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ આયોજનથી સોમનાથમાં આધ્યાત્મિક ચેતનાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.



