એપલ હાલમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી કેમેરા અપગ્રેડની તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચા છે. તેઓ હવે આઇફોનમાં 200 MP કેમેરા સેન્સરનો સમાવેશ કરશે એવી ચર્ચા છે. એપલ હવે તેમની 2028ની આઇફોન લાઇનઅપ માટે અત્યારથી તૈયારી કરી રહ્યું છે. જો આ માહિતીમાં થોડું પણ તથ્ય હશે તો યુઝર્સને આઇફોન 21માં 200 MPનો કેમેરા જોવા મળશે. એપલ હવે આઇફોન 18ને લોન્ચ કરશે, પરંતુ એમાં 48 MPનો જ કેમેરા હોવાની ચર્ચા છે.
12 MPથી 48 મેગાપિક્સલની સફર
- Advertisement -
એપલ હંમેશાંથી તેમના આઇફોનના કેમેરાને અપગ્રેડ કરતું આવ્યું છે પછી આ બદલાવ નાનામાં નાનો કેમ નહીં હોય. એપલ પહેલાં 12 MPનો કેમેરા આપતું હતું, પરંતુ એનાથી તેમણે સીધો 48 MPનો કેમેરા સેન્સર પર જમ્પ કર્યું હતું. એપલ દ્વારા હવે આઇફોન 17 પ્રો મોડલ્સમાં તમામ રિયર કેમેરામાં 48 MP કેમેરા સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેન્સમાં મેઇન લેન્સ, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. 48 MP કેમેરા સૌથી પહેલાં મેઇન કેમેરામાં કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ દરેક કેમેરામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આઇફોન 17 પ્રોના મોડલ્સ સાથે થાય છે.
આઇફોન 21 સિરીઝ માટે સેમસંગ કરશે કેમેરા સપ્લાય
એપલ જે તેમના કેમેરામાં અપગ્રેડ કરી રહ્યું છે એમાં સેમસંગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સાઉથ કોરિયાની કંપની આઇફોન 21 સિરીઝ માટે 200 MPના સેન્સર સપ્લાય કરી રહી હોવાની ચર્ચા છે. સેમસંગ તેના લેટેસ્ટ ગેલેક્સી ડિવાઇસમાં 200 MP કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે તેઓ પહેલી વાર એપલ માટે 200 MPના કેમેરા લેન્સ તૈયાર કરશે. માર્કેટમાં સેમસંગ અને એપલ ભલે હરિફાઈ હોય, પરંતુ સેમસંગ ઘણાં સમયથી એપલની ડિવાઇસ માટે વિવિધ પ્રોડક્ટની સપ્લાય કરતું આવ્યું છે.
- Advertisement -
એપલની સપ્લાય ચેન અને સ્ટ્રેટેજી
એપલ તેની સપ્લાય ચેન અને સ્ટ્રેટેજી પર હાલમાં ફોકસ કરી રહી છે. એપલ ફક્ત એક જ કંપની પર નિર્ભર રહેવા નથી માગતી અને આ જ કારણ છે કે આઇફોનના કેમેરા અપગ્રેડ માટે આટલો સમય લાગી રહ્યો છે. એપલ દ્વારા પહેલાં આઇફોન 18 જનરેશનમાં 200 MP કેમેરાનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા હતી, પરંતુ હવે આઇફોન 21માં એનો સમાવેશ કરવામાં આવશે.
LiDAR સેન્સર માટે અન્ય પાર્ટનરની શોધ
કેમેરાની સાથે એપલ તેમના અન્ય કોમ્પોનેન્ટ્સ માટે પણ પાર્ટનરની શોધ કરી રહ્યું છે. એપલ હવે LiDAR સેન્સર્સ માટે STMicro સાથે વાતચીત કરી રહ્યું હોવાની ચર્ચા છે. બની શકે કે તેમની ડીલ ફાઇનલ થઈ શકે છે. આ પાર્ટનર દ્વારા એપલ સપ્લાય ચેનમાં આવતાં રિસ્કને દૂર કરી શકે છે અને કોસ્ટને પણ કન્ટ્રોલ કરી શકે છે. એપલ હાલમાં ફેસ આઇડી માટે એક જ સપ્લાયરની મદદ લઈ રહ્યું છે અને એ કંપની LITE છે. બની શકે ભવિષ્યમાં તેઓ એમાં પણ અન્ય પાર્ટનરને પસંદ કરે.




