સિમેન્ટ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં ઉદ્યોગકારોને વિશેષ રસ: પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાયું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે મુખ્ય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે જિલ્લા કક્ષાએ યોજાતી કોન્ફરન્સ અંતર્ગત આજે મોરબી ખાતે ‘રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ’ યોજાઈ હતી. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને 50 જેટલી કંપનીઓ વચ્ચે કુલ ₹2470 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
ઉદ્યોગકારો માટે સેમિનાર અને પ્રદર્શન: આ કોન્ફરન્સમાં સિરામિક, પેપર કપ-ડિશ, ફેશન ડિઝાઇનિંગ અને ઇલેક્ટ્રિક પાર્ટ્સ સહિતના 18 જેટલા સ્ટોલ દ્વારા ઉદ્યોગ સાહસિકોએ પોતાની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. બીજા સત્રમાં જીએસટી, લેબર કાયદા અને ઇન્સેન્ટિવ જેવા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, મોરબી ઘડિયાળ અને સિરામિકની જેમ હવે રમકડાં ઉદ્યોગમાં પણ વિશ્વસ્તરે કાઠું કાઢી રહ્યું છે.
મુખ્ય રોકાણ ક્ષેત્રો: કુલ ₹2470 કરોડના એમ.ઓ.યુ. પૈકી પાંચ ઉદ્યોગકારોએ સ્થળ પર જ ₹1024 કરોડના કરાર કર્યા હતા. જેમાં રોકાણકારોનો ઝોક ખાસ કરીને નીચેના ક્ષેત્રોમાં જોવા મળ્યો હતો:
સિમેન્ટ પ્રોજેક્ટ: ₹500 કરોડનું રોકાણ
રિન્યુએબલ એનર્જી: ₹400 કરોડનું રોકાણ
ફાયબર સેક્ટર: ₹100 કરોડનું રોકાણ
ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ માત્ર કાગળ પર નહીં પણ જમીન પર ઉતરે છે, જેનાથી સ્થાનિક કક્ષાએ મોટાપાયે રોજગારીનું સર્જન થશે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ સરકાર ઉદ્યોગોને પાયાની સવલતો પૂરી પાડવા તત્પર હોવાનું ઉમેર્યું હતું.



