જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખાતરની તીવ્ર અછત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને આસપાસના પંથકમાં હાલ ખેડૂતો ખાતરની તીવ્ર અછતને કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખેતીની સિઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે પાકને સમયસર પોષણ આપવા માટે જરૂરી એવા ખાતરનો જથ્થો પૂરતો મળતો ન હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખાતરની અછત અને બીજી તરફ જે થોડો જથ્થો મળી રહ્યો છે, તેમાં પણ ભેળસેળ હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે સરકાર અને સંબંધિત વિભાગોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. માંગરોળ પંથકમાં જ્યારે પણ ખાતરના જથ્થા સાથેની ગાડી આવવાની જાણ થાય છે, ત્યારે ખેડૂતોમાં ખાતર મેળવવાની હોડ જામી જાય છે. ખેડૂતો પોતાનો કિંમતી સમય બગાડીને વહેલી સવારના 6 વાગ્યાથી જ ખાતરના ડેપો કે વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લગાવી દે છે. કલાકો સુધી રાહ જોયા બાદ, જ્યારે ખાતરનું વિતરણ શરૂ થાય છે, ત્યારે પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં ખેડૂતોને એક ખેડૂત દીઠ માત્ર બે થેલી ખાતર ફાળવવામાં આવી રહ્યું છે. ખેડૂતોની જરૂરિયાત સામે આ જથ્થો ખૂબ જ ઓછો હોવાથી ખેડૂતોમાં નારાજગી છે. પરંતુ, ખેડૂતોના આક્રોશનું મુખ્ય કારણ માત્ર અછત નથી, પણ જે ખાતર મળી રહ્યું છે, તે ગુણવત્તામાં હલકું અને ભેળસેળયુક્ત હોવાના આક્ષેપો છે. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે, જે બે થેલી ખાતર તેમને મળી રહ્યું છે, તેની ગુણવત્તા શંકાસ્પદ છે. ખેડૂતોના મતે, ખાતરની બોરીઓમાં ભેળસેળ કરવામાં આવી છે, જેના કારણે પાકમાં તેની અસરકારકતા ઘટી જાય છે. ખેડૂતોએ માગણી કરી છે કે, જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે, ત્યારે આ પ્રકારે ખાતરમાં ભેળસેળ કરીને ખેડૂતોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક પગલાં લેવા જોઈએ. ખાતરમાં ભેળસેળ કરનાર કોણ છે? આ પ્રકારે લાખો રૂપિયાનો ધંધો કોના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે? અને આ પ્રકારે હલકી ગુણવત્તાનું ખાતર વિતરણ કેન્દ્રો સુધી પહોંચી કઈ રીતે રહ્યું છે? તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે. આ ભેળસેળને કારણે ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે એક તરફ સમયસર ખાતર મળતું નથી અને બીજી તરફ જે મળે છે, તે પાકને પૂરતું પોષણ આપવામાં નિષ્ફળ નીવડી શકે છે, જેનાથી આગામી સમયમાં પાક ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે. ખાતરની અછત અને ખેડૂતોની લાંબી કતારોને કારણે વિતરણ કેન્દ્રો પર વારંવાર અફરાતફરી અને ઘર્ષણના બનાવો બનતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થા જાળવવા માટે ખાતર ડેપો ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાની ફરજ પડી છે. હાલ એક ગાડી ખાતર આવતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો થઈ જાય છે, અને જો પોલીસ બંદોબસ્ત ન હોય તો અનિચ્છનીય બનાવ બને તેવી શક્યતા રહેલી છે. પોલીસની હાજરીમાં વિતરણ થતું હોવા છતાં, ખેડૂતોનો આક્રોશ શાંત થતો નથી, કારણ કે તેમની મૂળભૂત સમસ્યા પૂરતું અને ગુણવત્તાયુક્ત ખાતર હજી ઉકેલાઈ નથી.
ધરતીપુત્રોની તાત્કાલિક ઉકેલની માંગ
માંગરોળ પંથકના ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે દરમિયાનગીરી કરે. ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવો, ખેડૂતોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો માંગરોળ પંથકમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. ખાતરમાં થતી ભેળસેળ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવી, દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. ખાતરના વિતરણ પહેલા તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે, જેથી ખેડૂતોને ખાતરીપૂર્વકનું ખાતર મળી રહે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર છે, જેનાથી સમગ્ર ખેતી વ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે છે.



