દુષ્કર્મનો વિડીયો મિત્રોને દેખાડી મારકૂટ કરી તરછોડી દીધાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતી અને મેડીકલ લાઈનમાં અભ્યાસ કરતી 27 વર્ષિય યુવતીને તાલાલા ગીર પંથકના શખ્સે લગ્નની લાલચ આપી રાજકોટની જુદી જુદી હોટલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરી, અંગત પળોનો વિીડિયો ઉતારી તેના મિત્રોને દેખાડી બ્લેકમેઈલ કરી મારકૂટ કર્યા બાદ તરછોડી દીધાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ તાલાલાના શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણી હાલ મેડીકલનો અભ્યાસ કરે છે તેનો કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા મારફતે આરોપી શૈલેષ સાથે સંપર્ક થયો હતો.
બાદમાં બંને વાતચીત કરતા હતાં આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં યુવતીનો ફોનમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. ત્યાર બાદ યુવતી રિલેશન માટે આનાકાની કરે તો તેને વીડિયો વાયરલ કરવાનું કહી બ્લેકમેઈલ કરતો હતો અને અવાર નવાર મવડી ચોકડી પાસે આવેલી હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવતો હતો આટલું જ નહીં આરોપી ફોનમાં ઉતારેલો વીડિયો તેના મિત્રોને બતાવતો હોવાથી આ અંગે જાણ થતાં યુવતીએ તેને વીડિયો ડિલીટ કરવાનું કહ્યું હતું છતાં આરોપીએ વીડિયો ડિલીટ નહીં કરી યુવતીને મારકૂટ કરી હતી તેમજ લગ્નની ના પાડી દેતા અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા પીઆઈ સુધીર રાણે સહિતના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



