ચૂંટણી નજીક આવતાં જ શહેર પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં શરૂ થયો હતો વિરોધ; જૂથવાદને ડામવા અપનાવાઈ નવી રણનીતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષોમાં તૈયારીઓ તેજ થઈ છે. તેવામાં, ધ્રાંગધ્રા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, જ્યાં શહેર પ્રમુખ વિરુદ્ધ પક્ષના જ સભ્યોએ સોશિયલ મીડિયા પર ખુલ્લો વિરોધ શરૂ કરી દીધો હતો.
પરંતુ, આ વિરોધ વચ્ચે જ ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસે નવા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરી દીધી છે. મહત્ત્વની વાત એ છે કે, શહેર સંગઠનના અન્ય હોદ્દેદારોમાં પ્રમુખનો વિરોધ કરનારા સભ્યોના નામ પણ સામેલ છે.
આ નિમણૂકને લઈને ધ્રાંગધ્રા પંથકમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સ્પષ્ટ રીતે વિરોધ કરનારા તમામ સભ્યોને સંગઠનમાં હોદ્દા આપીને પ્રમુખના વિરોધને ડામી દેવાનો અને ચૂંટણી પહેલાં જૂથવાદને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પગલા દ્વારા કોંગ્રેસે આંતરિક વિખવાદ ભૂલીને ચૂંટણીમાં સંગઠિત થઈને લડવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.



