સ્ટોકહોમ: સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, વિશ્વના સૌથી મોટા શસ્ત્ર ઉત્પાદકોએ ગયા વર્ષે આવકમાં 5.9%નો વધારો નોંધાવ્યો હતો, જે રેકોર્ડ પર તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો.
રશિયા-યુક્રેન, ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સહિતના યુદ્ધોના પગલે દુનિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓની આવક વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2024માં દુનિયાની ટોચની 100 હથિયાર બનાવતી કંપનીઓની કમાણી 5.9 ટકા વધી ગઈ હતી અને તેમની આવક વધીને 679 અબજ ડોલર થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધુ છે. જોકે, હથિયારોની આ રેસમાં સૌથી વધુ લાભ અમેરિકન કંપનીઓને થયો છે જ્યારે ચીનની કંપનીઓને કોઈ લાભ થયો નથી.
- Advertisement -
રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા સંઘર્ષ અને અનેક દેશો દ્વારા પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે વધુ ખર્ચ કરવાના કારણે દુનિયામાં હથિયારોની માગ વધી છે. આવા સમયે દુનિયામાં હથિયારોના સોદાઓ પર નજર રાખતી સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સીપરી)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ દુનિયામાં હથિયારોની રેસના પગલે શસ્ત્રો બનાવતી ટોચની 100 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે શસ્ત્રોના વેચાણથી આવકમાં સૌથી વધુ લાભ યુરોપ અને અમેરિકાની કંપનીઓને થયો છે. ટોચની 100 માંથી અમેરિકાની 39 માંથી લોકહીડ માર્ટિન, નોથ્રોર્પ ગુ્રમેન અને જનરલ ડાયનેમિક્સ સહિતની 30 કંપનીઓની સંયુક્ત આવક 3.8 ટકા વધીને 334 અબજ ડોલર થઈ છે, પરંતુ અમેરિકામાં અનેક હથિયાર પ્રોજેક્ટ જેમ કે એફ-35 ફાઈટર જેટમાં વિલંબ અને બજેટની સમસ્યા ચાલી રહી છે, જેણે આ કંપનીઓની આવકમાં વૃદ્ધિ પર બ્રેક મારી છે.બીજીબાજુ રશિયા સિવાયના યુરોપમાં શસ્ત્રો બનાવતી ૨૬માંથી 23 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે યુરોપના દેશોએ તેમનો સૈન્ય ખર્ચ વધારી દીધો છે. યુરોપની કંપનીઓની કુલ આવક 13 ટકા વધીને 151 અબજ ડોલર થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે યુરોપ પર રશિયાના આક્રમણના જોખમે આ દેશોની હથિયારોની ખરીદી વધારી છે.
વધુમાં યુરોપના અનેક દેશોએ યુક્રેનને હથિયારો પૂરા પાડવા માટે તેમનું સંરક્ષણ બેજટ વધાર્યું છે. ચેક ગણરાજ્યના ચેકોસ્લોવાક જૂથની હથિયારોની ખરીદી 193 ટકા વધી છે, જેમાં યુક્રેન માટે તોપના ગોળાની ખરીદીના સરકારી પ્રોજેક્ટનું મોટું યોગદાન રહ્યું છે. યુક્રેન જેએસસી સંરક્ષણ ઉદ્યોગને 41 ટકા વધારો થયો છે. આ સિવાય રશિયામાં બે કંપનીઓ રોસ્ટેક અને યુનાીટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશનને પણ ઘણો લાભ થયો છે. બંનેની કમાણી 23 ટકા વધીને 31.2 અબજ ડોલર થઈ હતી.
- Advertisement -
ઈઝરાયેલની કંપનીઓની આવકમાં 16 ટકાનો વધીને 16.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. ગાઝામાં હમાસ સહિત આજુબાજુના મુસ્લિમ દેશો સાથે ઈઝરાયેલના યુદ્ધના કારણે સરકારે નવા ઓર્ડર આપ્યા છે. દુનિયામાં શસ્ત્રો બનાવતી કંપનીઓની આવક વધવા વચ્ચે ચીનમાં ભ્રષ્ટાચારના આરોપ, અનેક મોટા કરાર ખતમ થવાના પગલે ચીનની આઠ કંપનીઓની કમાણી વધવાના બદલે 10 ટકા ઘટી ગઈ છે.




