ડિસેમ્બર માસ ’સંપર્ક માસ’ તરીકે ઉજવાશે; જાન્યુઆરીમાં રાજકોટ સહિત 4 જિલ્લાની ક્રેડિટ સોસાયટીઓનું મહાસંમેલન યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહકાર ભારતી દ્વારા રાજકોટ શહેરના ધારાસભા વિસ્તાર મુજબ ક્રેડિટ સોસાયટીઓના પ્રમુખ-મંત્રીઓ સાથે ઝોનવાઇઝ સંવાદ અને સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકારિતાના આદર્શો, સંસ્કાર અને સંગઠનના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
નરેન્દ્રભાઈ દવેએ ’સહકારિતા એક આદર્શ’ વિષય પર વ્યાખ્યાન આપતા જણાવ્યું કે, મંડળીઓમાં સભાસદ એ આરાધ્ય સાધ્ય છે, અને પવિત્ર વ્યવહારથી જ મંડળી પરમ વૈભવશાળી બને. તેમણે કર્મચારીઓમાં સંસ્કારોના સિંચન પર ભાર મૂક્યો હતો.
ડો. એન.જે. મેઘાણીએ ’નવી સહકાર નીતિ’ પર વ્યાખ્યાન આપ્યું, જ્યારે ડો. હિતેશભાઈ શુક્લએ જણાવ્યું કે, સહકારિતા જો ધારે તો ભારતને વિશ્વ કક્ષાએ સૌથી શ્રેષ્ઠ ઇકોનોમી બનાવી શકે છે. કેન્દ્રમાં સ્વતંત્ર સહકાર મંત્રાલયની સ્થાપના બાદ કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર થયા છે અને મંડળીઓ ચછ કોડ તથા ઓનલાઇન પેમેન્ટ માટે સજ્જ બની છે.
મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુએ જણાવ્યું કે, સહકાર ભારતી આગામી ડિસેમ્બર માસને ’સંપર્ક માસ’ તરીકે ઉજવશે, જેમાં 50 પ્રતિષ્ઠિત મંડળીઓના પદાધિકારીઓનો સંપર્ક કરાશે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રાજકોટ, જામનગર અને મોરબી સહિત 4 જિલ્લાની ક્રેડિટ સોસાયટીઓનું મહાસંમેલન રાજકોટમાં યોજવાનું આયોજન છે.



