નરોડાથી ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં અકસ્માત નડ્યો
ખાસ-ખબર ન્યૂઝ બગોદરા
બાવળા-બગોદરા હાઈવે પર રામનગર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગ સર્વિસની એક પિકઅપ વાન રોડ પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત સ્થળે જ બે લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય બે વ્યક્તિને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. નરોડાથી બાલાજી કેટરિંગની પિકઅપ ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતા હતા ત્યારે બાવળા નજીક આ ઘટના ઘટી. ઘટનાની જાણ થતાં જ બાવળા અને ચાંગોદરની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
- Advertisement -
ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાવળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ નરોડાના બાલાજી કેટરર્સ હિતેષભાઇ જોશી ચલાવી રહ્યા છે. ભમાસરા ગામે ઓર્ડર હોવાથી પીરસનાર અને કામ કરનાર સ્ટાફના લોકો પિકઅપમાં જઈ રહ્યા હતા. અજય કટારા, પ્રકાશ કટારા અને શૈલેષભાઈ આ ત્રણ લોકો ડુંગરપુર રાજસ્થાનના રહેવાસી હતા અને નરોડા નજીક પીરસવાનું કામ કરતા હતા, તેઓના મોત થયા છે. તો જ્યોત્સનાબેન રાઠોડ જેઓ નરોડા ખાતે રહે છે અને રસોઈકામમાં મદદ માટે જતા હતા તેમનું પણ મોત થયું હતું. અકસ્માતમાં ગાડીના ચાલક નાજીબખાન પઠાણ અને વાસણ ધોવાનું કામ કરનાર કિશન સરાનીયા હાલ સોલા ખાતે સારવાર હેઠળ છે.



