બાર કાઉન્સિલ ઑફ ઈન્ડીયા પ્રયોજિત ટેસ્ટ દરેક વકીલો માટે ફરજિયાત
માત્ર અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પર એક્ઝામ લેવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર એકઝામ તા.30મી નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં યોજાનાર છે. વકીલાતની પ્રેકટીસ માટે આ એક્ઝામ પાસ કરવી બહુ જ મહત્ત્વની ફરજિયાત હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવશે. ગુજરાતભરમાંથી આશરે 10 હજારથી વધુ વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે. અમદાવાદ છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવાશે. બીસીઆઈ દ્વારા દેશભરમાં આ 20મી વારની પરીક્ષા લેવાઈ રહી છે.
ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં તા.30 મી નવેમ્બરે લેવાનારી આ પરીક્ષાને લઈ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા સબંધી વિવિધ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વર્ષ 2010 પછી જેણે પણ એલએલબી પાસ કર્યું હોય તેણે વકીલાતની પ્રેકટીસ કરવી હોય તો તેવા વકીલ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈ પણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. બે વર્ષમાં બીસીઆઈની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેકટીસ માટે કામચલાઉ સનદ(પ્રોવીઝનલ સનદ) આપવામાં આવે છે. દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે અને નવ ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 45 માર્ક્સ લોવવાના હોય છે. જયારે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાસીંગ માર્કસ 40 હોય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પરીક્ષામાં ભારતીય નાગરિક સંહિતા, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, ગ્રાહ્ક સુરક્ષા ધારો, લેબર લો, આઇટી એકટ, ઈન્ડિયન એવીડેન્સ એકટ સહિતના 20 જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછાતા હોય છે. તા.30મી નવેમ્બરે લેવાનારી આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી દસ હજારથી વધુ ઉમેદવારો બેસશે. આ પરીક્ષાનું પરિણામ લગભગ 40થી 50 દિવસમાં આવી જતુ હોય છે.



