SIR કામગીરી : રાજયમાં 91,67,331 લાખ મતદારનું મેપિંગ નથી, આંકડો વધશે
1,39,492 મતદારોના નામ ડૂપ્લીકેટ હોવાની ચોંકાવનારા આંકડા બહાર આવ્યા
- Advertisement -
મૃત મતદારોનું મેપિંગ શક્ય નથી એવા મતદારોનો આંકડો સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાના પરિણામો બદલી શકે છે
22 દિવસમાં રાજ્યમાં SIR કામગીરી 68.58 ટકા પુર્ણ થઇ ગઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં 4 નવેમ્બરથી શરૂ થયેલી એસઆઇઆરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અંતિમ તબક્કા તરફ જતી મતદાર સુધારણા યાદીની કામગીરીમાં અનેક ફરિયાદો અને વિવાદો બાદ પણ 22 દિવસમાં રાજ્યમાં આ કામગીરી 68.58 ટકા પુર્ણ થઇ ગઇ છે. પરંતુ આ કામગીરીનું એનાલીસીસ કરતાં અનેક ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે.
- Advertisement -
રાજ્યભરના 33 જિલ્લામાંથી 10,47,473 મતદારોનુ મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યુ છે. તો 10,95,672 મતદારોએ તો કાયમી સ્થળાંતર કરી દીધુ છે. એટલુ જ નહિં 1,42,521 મતદારો તો મળતા જ નથી તેમ છતાં તેમના નામો યાદીમાં યથાવત હતાં.
જયારે 1,39,492 મતદારોના નામ ડૂપ્લીકેટ હોવાની ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. અને તેમાંય સૌથી આશ્ચર્ય જનક વાત એ છે કે, આટલી ઝડપથી ચાલતી કામગીરી વચ્ચે પણ 91,67,331 (અંદાજિત એક કરોડ) લોકોનું તો મેપિંગ જ નથી થયું. એસઆઇઆર હેઠળની ચાલતી આ કામગીરીમાં આવતાં ચોંકાવનારા આંકડા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કે વિધાનસભાનું ચિત્ર બદલી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

રાજ્યમાં આગામી 29, 30 નવે. મેપિંગ માટે કેમ્પ યોજાશે
સમગ્ર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં તા. 29 અને 30 નવેમ્બર 2025 એમ બે દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજશે. કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે. રાજ્યના મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તારની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે. તથા 2002ની મતદાર યાદીમાં તેમના નામો શોધવા માટે મદદ પણ મળી રહેશે. તેમજ ફોર્મમાં ડોકયુમેન્ટ આપેલ ન હોય તેવા નો મેપીંગ ફોર્મ પણ ભરવામાં મદદ કરવામાં આવશે.
સૌથી વધુ અમદાવાદમાં 20 લાખનું મેપિંગ બાકી
બીએલઓ (બૂથ લેવલ ઑફિસર) મતદારયાદી સુધારણ માટે ઘરે ઘરે જતા હોય ત્યારે મોટા ભાગે મતદારોના વર્ષ 2002 ની મતદાર યાદીમાં નામ ન હોવાની બૂમો પડતી હતી. મતદારોના નામ 2002 ની યાદીમાં ન હોવાથી ફોર્મ જમા થઇ શકતા નથી. ત્યારે 26 મી સુધી એસઆઇઆરની કામગીરીમાં મતદારોના વર્ષ 2002 ની મતદાર યાદીમાં માતા-પિતાના નામ હોય પણ પુત્રનું નામ ન હોય. પુત્રવધુના નામ ના હોવાના વિવિધ કારણોને લઇને મતદારોના ફોર્મ મેપીંગ થતા નથી. આવા ફોર્મ મેપીંગ ના થયા હોય તેમાં રાજયના આંકડા મુજબ કુલ 91,67,331 મતદારોનું મેપીંગ બાકી છે. જોકે સૌથી વધુ અમદાવાદમાં છે. પરંતુ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે બહાર ભટકતા લોકોના મેપીંગનો આંકડો પણ મોટો છે.



