રાજકોટ-જામનગરના બે ગઠિયા સામે જામકંડોરણા પોલીસમાં 8.80 લાખની ઠગાઈની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપતાં વેપારી પાસેથી પ્રિવેડિંગ શૂટ અર્થે બીએમડબ્લ્યુ કાર ભાડેથી મેળવી રાજકોટ અને કાલાવડ પંથકના શખ્સો ફોન બંધ કરી નાસી જતા 8.80 લાખની છેતરપિંડી અંગે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જામકંડોરણાના જસાપર ખાતે રહેતા અને કાર રેન્ટ પર આપવાનો વ્યવસાય કરતા ઉત્સવભાઈ દિનેશભાઇ સાવલિયા ઉ.20એ રાજકોટના જતીન પ્રભાત પરમાર અને જામનગરના નાની વાવડી ગામે રહેતા વિશાલ પ્રવીણ સાંગાણી સામે ઠગાઈ અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વ્યવસાયના વ્યાપ માટે ઈન્સ્ટાગ્રામમાં જાહેરાત મૂકી હતી જે જાહેરાત જોઈ ગત તા.13ના રોજ જતીન પરમારે ફોન કરી તેને સાસણ ગીર ખાતે પ્રિવેડિંગ શૂટ માટે જવું હોય લકઝરીયસ કારની જરૂરિયાત છે જેથી ફરિયાદીએ તેમની પાસે બીએમડબ્લ્યુ કાર હોવાનું જણાવ્યું હતું જેથી આ કારનું દરરોજનું 10 હજાર ભાડું નક્કી કર્યું હતું બાદમાં જતીન પરમારે કાર લેવા વિશાલને ધોરાજી મોકલ્યો હતો. વિશાલે તા.13 થી 15 ઓક્ટોબર એટલે કે ત્રણ દિવસના ભાડા પેટે 30 હજાર ચૂકવી બીએમડબ્લ્યુ કાર મેળવી ચાલ્યો ગયો હતો ત્રણ દિવસ પછી ગત તા.15ની રાત્રે જતીનને ફોન કરતા તેણે કોલ ઉપાડ્યા ન હતા બાદ વિશાલને ફોન કરતા તેણે પણ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. બીજા દિવસે ફરીવાર બંનેને ફોન કરતા બંનેએ કોલ ઉપાડી મોબાઈલ સાઈડમાં મૂકી દીધો હોય તેમ ફક્ત અવાજ સંભળાતો હતો જેથી ફરીવાર ફોન કરતા બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવતા યુવાને બંને ઠગ સામે ફરિયાદ નોંધાવતા જામકંડોરણા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.



