ચોટીલા હાઇવે પર શિવલહેરી હોટલ નજીકથી ટેન્કરમાંથી ચોરી કરેલું પેટ્રોલ-ડીઝલ મીની ટેમ્પોમાં મશીન ફીટ કરી ઓછા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાંSOGની ટીમે ચોટીલા-રાજકોટ હાઇવે પર ચાલતા ’હરતા-ફરતા પેટ્રોલ પંપ’નું કૌભાંડ ઝડપી પાડી, કુલ રૂ. 4,66,450 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોટીલાથી રાજકોટ તરફ 5 કિમી દૂર મંગળુ કાઠીની શિવ લહેરી હોટલ નજીકથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ છે. આરોપીઓ પેટ્રોલ પંપમાં આવતા ટેન્કરોમાંથી ઇલેક્ટ્રિક મોટર અને નળી વડે પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા હતા. ત્યારબાદ, ફ્યુલ પંપ ફીટ કરેલા ટાટા 407 મીની ટેમ્પોમાં આ ચોરીનું ડીઝલ અને પેટ્રોલ ભરીને અન્ય વાહન ચાલકોને રૂ. 15-20 ના ઓછા ભાવે વેચી નાખતા હતા.
- Advertisement -
SOGની ટીમે બાતમીના આધારે શિવલહેરી હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરતા ફ્યુલ પંપ ફીટ કરેલી ટાટા 407 (કિં. રૂ. 3,00,000), યુટિલિટી અને 160 લીટર ચોરીનું ડીઝલ મળી આવ્યું હતું.
પોલીસને જોઈને આરોપી લાલો મંગળુ કાઠી દરબાર અને ચોકીદાર પપ્પુ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



