DJના તાલે પરંપરાગત રાસ-હુડોની રમઝટ, કુંભારપરાથી કરમણપરા સુધી યુવાનોએ ધ્વજો લહેરાવી માલધારી સંસ્કૃતિનો ઉમંગ ફેલાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર શહેરમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય અને ઉત્સાહભેર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા, જેમણે શહેરભરમાં માલધારી સમાજની એકતા અને સંસ્કૃતિનો ઉમંગ ફેલાવ્યો હતો.
- Advertisement -
રેલીનો પ્રારંભ શહેરના રિવરફ્રન્ટ રોડ પર આવેલ કુંભારપરા ગાયમાતા સર્કલથી થયો હતો. ત્યાંથી આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને કરમણપરા સ્થિત ઠાકર મંદિર ખાતે સમાપ્ત થઈ હતી.
બાઈક રેલી દરમિયાન યુવાનોએ માલધારી સમાજના ધ્વજો લહેરાવ્યા હતા. સાથે જ, ડીજેના તાલે ભરવાડ સમાજના પરંપરાગત રાસ, ગરબા, હુડો, છંદ અને દુહા જેવા લોકનૃત્યોની રમઝટ બોલાવી હતી, જેનાથી વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. પ્રખ્યાત ગાયક કલાકારોએ પરંપરાગત ગીતોની રજૂઆત કરી હતી. આ બાઈક રેલી સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલીને કારણે શહેરમાં વાહનવ્યવહાર વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો, અને પોલીસે પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી.



