ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
માણાવદરના એક વેપારી સાથે આરટીઓ ઈ-ચલણ (છઝઘ ઊ-ઈવફહહફક્ષ) ભરવાના બહાને સાયબર ગઠિયાએ 1.67 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિગત મુજબ, માણાવદર પોલીસ લાઈન પાસે રહેતા 44 વર્ષીય વેપારી દીપકભાઈ ગોરધનભાઈ કણસાગરાને ગત 19 જૂનના રોજ વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણની એક એપ્લિકેશન ફાઈલ મળી હતી. જાણ બહાર આ ફાઈલ ડાઉનલોડ થતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ 20 જૂને અજાણ્યા શખ્સે તેમના મોબાઈલ પર ઓટીપી મેળવી બેંક એકાઉન્ટનો કંટ્રોલ મેળવી લીધો હતો. ગઠિયાએ દીપકભાઈના ખાતામાં રહેલા 80,000 રૂપિયા ઉપરાંત, તેમના નામે ઓનલાઇન 1,47,521 રૂપિયાની લોન પણ મંજૂર કરાવી તે રકમ ખાતામાં જમા કરાવી હતી. આમ, આરોપીએ ખાતામાંથી કટકે-કટકે 50 હજાર, 49 હજાર અને 12 હજાર જેવી રકમ ટ્રાન્સફર કરી કુલ રૂપિયા 1,67,803ની ઉઠાંતરી કરી લીધી હતી. ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં જાણ કર્યા બાદ, રેન્જ સાયબર પોલીસે બુધવારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
RTO ઈ-ચલણ’ એપ.ના નામે ફ્રોડ: માણાવદરના વેપારીના ખાતામાંથી 1.67 લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી



