સિવિલ હૉસ્પિટલની વધુ એક બેદરકારી: નર્સિંગ સ્ટાફની બેદરકારીએ 18 માસના બાળકનો જીવ ગયો
18 માસનું બાળક દાઝી જતા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતુ: બાળકના મૃત્યુ
બાદ હોસ્પિટલ પ્રશાસન સામે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો
નર્સે બાળકના પિતાને ઇન્જેક્શન કઈ જગ્યાએ લગાવવું? એવો પ્રશ્ર્ન કર્યો હતો તેવો પરિવારજનોનો નર્સ પર આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ફરી એક વખત બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગોવિંદભાઈ ગમારા નામના વ્યક્તિના 18 માસના બાળક શિવમનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારજનોએ તબીબ અને સ્ટાફ પર બેદરકારીના આક્ષેપો કર્યા છે. મળતી માહિતી મુજબ, 18 તારીખે શિવમને દાઝી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવાર મુજબ, બાળકની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ બાટલો ચડાવી રહ્યા હતા તે સમયે તબિયત બગડતી ગઈ હતી. બાળકની હાલત લથડી જતાં પિતાએ ડોક્ટર અને સ્ટાફને પૂછતાં તેમને બેદરકારીભર્યો જવાબ મળ્યો હોવાનો આરોપ છે.
બાળકના પિતાએ જણાવ્યું કે સ્ટાફ તરફથી આ સિવિલ હોસ્પિટલ છે, અહીં મરી પણ જાય જેવા શબ્દો સાંભળવા મળ્યા હતા. વધુમાં, પિતાએ તબીબને ફોન કરતા ડોક્ટરે તમે કહો ત્યારે હું ન આવું, મારું મન થશે ત્યારે આવીશ એવો જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પરિજનો દ્વારા નર્સિંગ સ્ટાફ પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. નર્સે જ બાળકના પિતાને ઇન્જેક્શન કઈ જગ્યાએ લગાવવું? એવો પ્રશ્ર્ન કર્યો હતો, જેને પરિવારજનોએ અણજાણતા અને અયોગ્ય સ્ટાફની નિમણૂક ગણાવી હતી. ઘટના બાદ હોસ્પિટલ પ્રાશાસન સામે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને સંપૂર્ણ ઘટનાની તપાસ કરવાની માંગણી કરી છે. બાળકના મોતથી વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે.
આ ઘટના મામલે તપાસ કમિટી બેસશે, જવાબદારો સામે પગલાં લેવાશે: RMO હર્ષજદ દૂસરા
સિવિલ હોસ્પિટલના આરએમઓ હર્ષદ દૂસરાએ આ બનાવ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ બનાવને લઈને તાત્કાલિક તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવશે અને નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવશે. સ્ટાફ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોય તો તે ખૂબ જ ગેરવ્યાજબી કહેવાય, અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. દર્દીઓ સાથે ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ ગેરવર્તન ન કરે તે માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવશે.
- Advertisement -



