પાળ ગામના આંગણે ભક્તિની સરવાણી
મહોત્સવ 26 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલશે: 11 દીકરીઓના સમૂહલગ્ન પણ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નજીક આવેલ પાળ ગામમાં શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો), સંત આંબેવપીર ધામ ખાતે ભવ્ય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મ અને આસ્થાના આ પાવન પર્વમાં સમસ્ત ધર્મપ્રેમી જનતાને ભાવભેર જોડાવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ તા. 26-11-25 બુધવારના રોજ થશે અને તા. 5-12-25 શુક્રવારના રોજ પૂર્ણાહુતિ થશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ તા. 26-11-25 બુધવારથી તા. 28-11-25 શુક્રવાર સુધી રહેશે.
યજ્ઞના પાવન માહોલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવ-દેવીઓની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા. 29-11-25 શનિવારથી તા. 5-12-25 શુક્રવાર સુધી કથાકાર સુમધુર વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે. જ્યારે 5 ડિસેમ્બરે 11 દીકરીઓના સમૂહલગ્ન પણ યોજાશે. મહંત ટીટા ભગત દ્વારા તમામને નિમંત્રણ પાઠવાયું છે.
સમગ્ર રાજકોટ ચોર્યાસી ગામના ભરવાડ સમાજ, પાળ ઠાકર સેવક ગણ તથા સર્વે ઠાકર ભક્તો માટે આ એક અત્યંત હર્ષ અને ગૌરવનો અવસર છે. શ્રી રાજ રાજેશ્ર્વર જગદ્ગુરુ શ્રી નકલંક ભગવાન (દ્વારકાધીશ) સંત શિરોમણિ શ્રી આંબેવપીર તથા શ્રી મચ્છો માની અસીમ કૃપાથી પાળ ગામ, તા. લોધિકા, જિ. રાજકોટ સ્થિત શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો) શ્રી આંબેવપીર ધામ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
પાળ ગામ ખાતે યોજાનાર દિવ્ય કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા માટે ત્રણેય પક્ષો સંપૂર્ણ તત્પરતા અને ઉત્સાહ સાથે કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે ભગતનો પરિવાર, આયોજક સમિતિ અને પાળ ગામના સમસ્ત ગ્રામજનો ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવશે. ભગતનો પરિવાર અંગત દેખરેખ અને વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. આયોજક સમિતિ સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંકલન અને વ્યવસ્થાપન સંભાળશે. ગ્રામજનો સેવા અને સહકારની ભાવનાથી તમામ વ્યવસ્થામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપશે. સામૂહિક સહયોગ અને સમર્પણથી આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ એક યાદગાર પ્રસંગ બની રહે તે માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી
રહ્યા છે.



