પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં લોકોનો ધસારો: 3 કલાક રાહ છતાં ફરિયાદ ન સાંભળતા આક્રોશ
બૂટલેગર ગજેન્દ્ર જાદવ ખુલ્લેઆમ દાદાગીરીના વીડિયો વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂકે છે: છતાં પણ કાર્યવાહી ન કરતા પોલીસ સામે સવાલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઉદ્યોગનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક બુટલેગરના ત્રાસથી પરેશાન રહેલા સ્થાનિકોએ આજે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં મોટી સંખ્યામાં શહેર પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ‘ગજો’ તરીકે ઓળખાતો ગજેન્દ્ર જાદવ વિસ્તારમા ખુલ્લેઆમ દારૂ વેચાણ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવે છે. ગજો તથા તેની ટોળકી દ્વારા સ્થાનિકોને ધમકાવવાનું, મારપીટ કરવી અને રિવોલ્વર સાથે દાદાગીરી કરવાના બનાવો વારંવાર સર્જાતા હોવાનો ગંભીર આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં નાગરિકો કમિશનર ઓફિસે એકત્ર થયા હતા. પરંતુ ત્રણ કલાક સુધી કોઈ જવાબદાર અધિકારી ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ બુટલેગર સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં પોલીસ તેની સામે સખ્ત કાર્યવાહી કરતી નથી. ગઈકાલે રાત્રે સ્ક્રેપ વેપારી સાથે નશામાં મારપીટ કર્યાના બનાવ બાદ પણ એ-ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ કર્યા બાદ પણ આજ સુધી ગજો ખુલ્લેમાં દાદાગીરીના વીડિયો વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂકે છે, જે પોલીસે તેની સામે કાર્યવાહી ન કરવાના ગંભીર સવાલો ઉભા કરે છે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય મેવાણી વચ્ચે બુટલેગિંગ મુદ્દે ચાલી રહેલા રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપની વચ્ચે ઉદ્યોગનગરની આ ઘટના વધુ રાજકીય તણાવ પેદા કરી શકે એવી ચર્ચા ચાલે છે.
આ સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસતંત્રની કામગીરી અંગે અનેક પ્રશ્નચિન્હો ઉભા કર્યા છે.
સ્થાનિકોમાં ભારે રોષ છે અને તેઓ બહાદુરાઈપૂર્વક અને તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે શહેર પોલીસ આ બુટલેગર વિરુદ્ધ દૃશ્યમાન કાર્યવાહી કરે છે કે નહીં તે
જોવું રહ્યું.
- Advertisement -
જરૂર પડે તો જનતા રેડ: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
પરિસ્થિતિ ગંભીર બનતાં લોકોએ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ફોન દ્વારા સમગ્ર ઘટના અંગે વિગત આપી હતી. મેવાણીએ લોકોને આશ્વાસન આપ્યું કે તેઓ વ્યક્તિગત રીતે પોલીસ કમિશનર સાથે વાત કરશે અને જરૂર પડે તો જનતા રેડ કરવા તૈયાર છે.



