એલસીબીએ બેલડી પાસેથી 9.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : ચાર તસ્કરોની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ધોરાજી અને વિંછીયા પંથકમાં એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીને અંજામ આપતી આંતર જિલ્લા ગેંગને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લઇ ચાર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે બે આરોપીને એલ્યુમિનિયમ વાયર, બે વાહનો મળી કુલ 9.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અન્વયે રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરાના રાહબરીમાં પીએસઆઇ એચ સી ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળિયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઈ સાવરીયા અને કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજને મળેલી બાતમી આધારે વિછીયાના મોટા માત્રા ગામ નજીકથી અંજારના દેવરાજ ઉર્ફે નાનો અશોક ઠક્કર અને હીરા ઉર્ફે પરસોત્તમ બાબુ વડેચાને ચોરીથી મેળવેલ 2360 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર જેની કિંમત 4,38,960 ઉપરાંત બે અલગ અલગ વાહનો જેમાં વાહન લઇ હેરફેર કરતા મળી આવતા કુલ 9,50,160ના મુદ્દામાલ સાથે પકડી બંને શખ્શોની સઘન પૂછપરછ કરતા બંને તસ્કરોએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તેમણે રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધોરાજી પંથકમાં ચાર એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીને અંજામ આપ્યો છે જેથી બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અલગ અલગ ચાર ચોરીના ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલ્યો હતો. વધુમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ મોટા ભડલાના લાલા ગોરધનભાઈ ભોજયા, હળવદના રૂડા ભચ્છુ ઠાકોર, અંજારના દિનેશ ઠાકોર અને અજય ધનજી કોળીનું નામ ખુલતા પોલીસે તસ્કર ટોળકીના ચારેય સભ્યોની શોધખોળ શરૂ કરી છે તસ્કર ટોળકીના સૂત્રધાર લાલા વિરુદ્ધ કચ્છમાં ચોરી સહિતના સાત ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.


