વાહનચાલકોની મુખ્ય ફરિયાદ એ છે કે, શહેરના મોટાભાગના સિગ્નલો ટાઈમર વગરના હોવાથી લોકોને ગ્રીન લાઈટ ક્યારે થશે તેનો કોઈ અંદાજ મળતો નથી
કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, કોર્પોરેશન ચોક, ઢેબર રોડ, ભુતખાના ચોક, કોઠારીયા રોડ, કુવાડવા ડીમાર્ટ પાસે વગેરે સ્થળે નવા ટ્રાફિક સિગ્નલ મુકાય તેવી શક્યતા
- Advertisement -
બેફામ સિગ્નલોથી લોકોનો સમય 10 મિનિટથી 30 મિનિટ વધવા સાથે ઈંધણ ખર્ચ અને પ્રદુષણ વધ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે લોકોનો સમય અને ઈંધણ બગડે છે. કાલાવાડ રોડ- 150 ફૂટ રીંગ રોડના ક્રોસિંગ પર બે-બે બ્રિજ હોવા છતાં નીચે સિગ્નલો ખડકી દીધા છે. વળી આ ચોકની બાજુમાં જ આવેલા ઈન્દિરા સર્કલે પણ ટ્રાફિક સિગ્નલો છે. રાજકોટમાં ટ્રાફિક સુગમતાથી ચાલે તે માટે સતર્ક પોલીસ જોવા મળતી નથી. 650 જેટલા ટ્રાફિક પોલીસમેનો પ્રજાના ખર્ચે ભરી દીધા છતાં ધમધમતા સર્કલોએ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મુકવાને બદલે આ સર્કલો સિગ્નલોના હવાલે કરીને આડેધડ સિગ્નલો ખડકી દેવાયા છે જેથી લોકોને નિયત સ્થળે આવવા જવામાં સમય અને ઈંધણ વધુ ખર્ચાવા સાથે સમસ્યા હલ થતી નથી તે સ્થિતિમાં હજુ નવા સિગ્નલો ખડકવા પોલીસની દરખાસ્ત અન્વયે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. મનપા સૂત્રો અનુસાર કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, કોર્પોરેશન ચોક, ઢેબર રોડ, ભુતખાના ચોક, કોઠારીયા રોડ પર, કુવાડવા ડીમાર્ટ પાસે વગેરે સ્થળે નવા ટ્રાફિક સિગ્નલ મુકવા ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે.
પોલીસે જાણે ખુણે ખાંચરે કે અંતરિયાળ માર્ગોમાં ફોર વ્હીલરોને તાળાબંધી કરીને વાહનચાલકો પાસેથી દંડ વસુલવાની જ કામગીરી કરવાની હોય તેમ ઇન્દિરા સર્કલ, એસ્ટ્રોન-દસ્તુરમાર્ગ પર ચોક સહિતના સ્થળે પોલીસની ગેરહાજરીમાં રોજ ટ્રાફિકની અંધાધુધી સર્જાય છે. લોધાવાડ ચોક જેવા કેટલાક ચોકમાં જ સક્રિય પોલીસ નજરે પડે છે.
- Advertisement -
ઈન્દિરા સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલો છે છતાં બાજુમાં બે-બે હાઈ લેવલ બ્રિજની જ રીતે ઈન્દિરા સર્કલ અને ત્રિકોણ બાગે સિગ્નલો છતાં કોટેચા ચોકમાં અને નજીક નજીકમાં કોર્પોરેશન ચોક અને ભુતખાના ચોકમાં સિગ્નલ લગાવાશે. બેફામ સિગ્નલોથી લોકોનો પ્રવાસ સમય 10 મિનિટથી 30 મિનિટ વધવા સાથે ઈંધણ ખર્ચ અને પ્રદુષણ વધે છે.



