ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર શહેરમાં ગરીબ અને આવાસવિહોણા પરિવારોને સ્વપ્નનું ઘર મળી રહે તે માટે સરકારે બનાવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટો નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરમાં કુલ 548 આવાસોને મંજૂરી આપવામાં આવી છે, જે ગરીબ પરિવારોના ઘર બનાવવાનું સપનું સાકાર કરશે.
આવાસ બનાવવાની સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં ₹3.50 લાખની સહાય મળતી હતી, તેમાં રૂ. 50 હજારનો વધારો કરીને હવે ₹4 લાખ કરાયા છે. લાભાર્થીઓએ આ સહાયથી બે રૂમ, રસોડું, બાથરૂમ અને શૌચાલય સાથેનું મકાન એક વર્ષમાં બનાવવાનું રહેશે. આ સહાય ચાર હપ્તામાં કામની પ્રગતિ મુજબ અપાશે. મનપા બન્યા બાદ કુલ 1455 લોકોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 548 ફોર્મ મંજૂર થયા છે. જેમના ફોર્મ રદ થયા છે, તે લોકો કાગળની પૂર્તતા કરીને ફરી લાભ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે આવક ₹3 લાખથી ઓછી અને 30 ચો.મી.થી 45 ચો.મી. કાર્પેટ એરિયાની જમીન હોવી જરૂરી છે. જે લોકો પાસે શહેરમાં જમીન નથી અને ભાડાના મકાનમાં રહે છે, તેમના માટે પણ સરકાર ફ્લેટની યોજનાનું આયોજન કરશે, જેના માટે તેઓ અરજી કરી શકે છે. વધુ વિગતો માટે મનપામાં યુસીડી આવાસ શાખાનો સંપર્ક કરવો.



