જૂનાગઢ મનપાએ 10 વોર્ડમાં રૂ. 15 કરોડના વિકાસ કાર્યો મંજૂર
શહેરના રખડતાં શ્ર્વાન માટે રૂ. 4.80ના ખર્ચે સર્વે કરી ખસીકરણ કરાશે રોડ-ગટરના કામો મંજૂર, નબળી એજન્સીઓ સામે લાલ આંખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી, જેમાં શહેરી વિકાસ અને વહીવટી સુધારણા સંબંધિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં 10 વોર્ડમાં કુલ આશરે રૂ. 15 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12માં સ્વભંડોળ અને અન્ય ગ્રાન્ટ અંતર્ગત બાંધકામ શાખા દ્વારા વિવિધ વિસ્તારોના ટેન્ડર મુજબ સિવિલ કામોનું રિપેરિંગ, તેમજ જુદી જુદી સાઈઝના આરસીસી પાઇપની ગટર વ્યવસ્થા બનાવવાનું અને મેન્ટેનન્સના કામો માટે આ રકમ મંજૂર કરવામાં આવી છે.
વધુમાં, જૂનાગઢ હદ વિસ્તારમાં રખડતા શ્વાનનો યોગ્ય રીતે નિયંત્રણ લાવવા માટે ડોગ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટેના ટેન્ડરમાં અંતે ગોલ ફાઉન્ડેશન, અમદાવાદના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ એજન્સી દરરોજ રાત્રિના શહેરના માર્ગો પર ફરીને કયા વિસ્તારમાં કેટલા શેરી કૂતરા છે તેનો રિપોર્ટ બનાવશે. ત્યારબાદ આ કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 5036 કૂતરાઓનું ખસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ મનપાના જુદા જુદા વાહનોની ઓનલાઈન ઓક્શન મારફતે મંગાવવામાં આવેલા ભાવોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
- Advertisement -
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જૂનાગઢ મુલાકાત દરમિયાન તેમણે રોડ-રસ્તાની ગુણવત્તા બાબતે અધિકારીઓ અને પદાધિકારીઓનો વારો કાઢ્યો હતો. તેના પગલે, વોર્ડ નંબર 7 અને 13માં પેવર રોડ તથા સીસી રોડની કામગીરી ધરાવતી કોન્ટ્રાક્ટર એજન્સી સર્જન ક્ધસ્ટ્રક્શનને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. જોકે, વિપક્ષ દ્વારા હજુ પણ ઘણી બધી રોડ-રસ્તા બનાવતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની જરૂર હોવાનું જણાવી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણયો લેવા માટેની સંકલનની બેઠક મળી હતી, જેમાં મેયર ધર્મેશભાઈ પોંશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપાણીયા, ડે. મેયર આકાશ કટારા, સ્થાહીસમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ અજાવાણી તેમજ સ્થાયી સમિતિના સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી સમિતિના એજન્ડા મુજબ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ, સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાંસદસ્યો બાલુભાઈ રાડા, સંજયભાઈ મણવર, પ્રફુલ્લાબેન ખેરાળા, કુસુમબેન અકબરી, વિનસભાઈ હદવાણી, અંકિતભાઈ માવલિયા, પ્રવીણભાઈ વાઢેલા, વનરાજભાઈ સોલંકી, વિમલભાઈ જોશી અને ઉષાબેન બાલસ સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.
200 જૂનાં શોપ લાયસન્સ રદ્દ કરાયા
મહત્વના વહીવટી નિર્ણયમાં, જૂનાગઢ નગરપાલિકા હતી તે સમયથી લાયસન્સ ફી ભરપાઈ ન કરનાર આસામીઓના લાયસન્સ રદ્દ કરવાની છેલ્લા ઘણા સમયથી માંગ હતી. આખરે, તેમની ડિપોઝિટ જપ્ત કરવા માટે 200 આસામીઓના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. આ રદ્દ થયેલા લાયસન્સમાં અમુક 50 વર્ષ જૂના પણ હતા.



