ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને એ પ્રોસેસ થઈને એપ્રુવ્ડ થઈ ગયું હોય પણ એના બેનિફિશિયરી અને ડિપેન્ડન્ટોને હજુ સુધી એ પિટિશન કરન્ટ થયું ન હોવાના કારણે કે પછી અન્ય કોઈ પણ કારણસર ઈમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત થયા ન હોય અને એ દરમિયાન પિટિશરનું જો મૃત્યુ થાય તો એ પિટિશનનો આપોઆપ અંત આવે છે અને એની હેઠળ બેનિફિશિયરી તેમજ એમના ડિપેન્ડન્ટોને ઈમિગ્રન્ટ વિઝા મળી નથી શકતા.
આવા દયાજનક સંજોગોમાં જો બેનિફિશિયરીના અન્ય કોઈ અંગત સગા, પતિ-પત્ની, માં-બાપ, સાસુ-સસરા, ભાઈ-બહેન, ઓછામાં ઓછા 18 વર્ષના બાળક, દીકરો, દીકરી, જમાઈ, વહુ, નણંદ-ભાભી, દિયર-શાલો, દાદા-દાદી, પૌત્ર-પૌત્રી અથવા લીગલ ગાર્ડીયન (આઠ સીએફઆર સેક્શન 250-1) અમેરિકન સિટીઝન ઓફ સપોર્ટ, ફોર્મ આઈ-864 આપવા તૈયાર હોય તો અરજી કરતાં એમને સબસ્ટિટ્યૂશનની પ્રક્રિયા દ્વારા મૃત પિટિશનરની જગ્યા આપવામાં આવે છે અને ત્યારબાદ એ પિટિશન સજીવ થતા બેનિફિશિયરી અને એના ડિપેન્ડન્ટોને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. આઠ સીએફઆર સેક્શન 250-1 (એ) (3) (આઈ) (સી) સબસ્ટિટ્યૂશનની અરજીમાં એ દેખાડી આપવાનું જરૂરી રહે છે કે, જો એ વ્યક્તિને મૃત પિટિશનરની જગ્યા લેવા દેવામાં નહીં આવે અને પિટિશન સજીવ કરવામાં નહીં આવે, તો બેનિફિશિયરી તેમજ એના ડિપેન્ડન્ટો તેમજ અમેરિકામાં રહેતા એમના સગાવહાલાઓને પારાવાર હાડમારી પડશે. માનવતાના કારણોસર એ વ્યક્તિને મૃત પિટિશનરની જગ્યા લેવા દેવી જોઈએ.
આમ માટે જે સબસ્ટિટ્યૂશનનું પિટિશન દાખલ કરવાનું રહે છે એની તૈયારી કરવા માટે અને એ પિટિશન સાથે જોડવા માટે નીચેના તેમજ સંજોગો પ્રમાણે અન્ય દસ્તાવેજોની જરૂર રહે છે.
1) જે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એની એક કોપી.
2) પિટિશન એપ્રુવ્ડ થયું છે એ દર્શાવતો કાગળ, જે ફોર્મ આઈ-797માં હોય છે.
3) પિટિશનરનું બર્થ સરિટિફિકેટ
4) પિટિશનરનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ
5) પિટિશનરનો અમેરિકન પાસપોર્ટ
6) પિટિશનર અને બેનિફિશિયરી, આ બેના જે સંબંધીઓ હોય, દાખલા તરીકે, પતિપત્ની, માબાપ, સંતાનો, ભાઈબહેનો, એ દર્શાવતા પુરાવાઓ અને ફોટાઓ.
7) પિટિશનરનું મૃત્યુ પત્ર
8) બેનિફિશયરીના ભારતીય પાસપોર્ટની કોપી.
9) બેનિફિશિયરનું બર્થ સર્ટિફિકેટ
10) જો લગ્ન થયા હોય તો બેનિફિશિયરીનું મેરેજ સર્ટિફિકેટ અને એના થોડા ફોટાઓ તેમજ લગ્નની કંકોત્રી.
- Advertisement -
11) બેનિફિશિયરની પત્ની-પતિનું બર્થ સર્ટિફિકેટ અને ભારતીય પાસપોર્ટની કોપી
12) બેનિફિશિયરીના સંતાનો હોય તો એમના બધાના બર્થ સર્ટિફિકેટ અને પાસપોર્ટની કોપી.
13) જે વ્યજતી મૃત પિટિશનરની જગ્યા લેવા ઇચ્છતી હોય એમનું બર્થ સર્ટિફિકેટ, નેચરલાઈઝેશન સર્ટિફિકેટ, અમેરિકન પાસપોર્ટ અથવા ભારતીય પાસપોર્ટની કોપી, ગ્રીનકાર્ડની કોપી, સોશિયલ સિક્યોરિટી કાર્ડની કોપી.
14) બેનિફિશિયરીના અમેરિકામાં રહેતા અન્ય સગાઓને લગતી સંપૂર્ણ અને વિગતવાર માહિતી. એમના નામ, સરનામાં, બર્થ સર્ટિફિકેટ, નેચરલાઈઝેશન સર્ટિફિકેટ, અમેરિકન પાસપોર્ટ, ગ્રીનકાર્ડની કોપી, સોશિયલ સિક્યોરિટી કાર્ડ આ ઉપરાંત તેઓ અમેરિકામાં કેટલા સમયથી રહે છે? શું કરે છે? એમનો બેનિફિશિયરી જોડે શું સંબંધ છે? સગા છે? મિત્રો છે? એક જ ગામના કે શહેરના છે? વગેરે, વગેરે.
15) જો મૃત પિટિશનરની જગ્યા અન્ય વ્યક્તિને લેવા દેવામાં નહીં આવે અને પિટિશન સજીવ કરવામાં નહીં આવે તો બેનિફિશિયરી, એમની પત્ની/પતિ, બાળકો અને અમેરિકામાં રહેતા બધા જ સગાવહાલા અને મિત્રો તેમજ અન્યોને કેટલી હાડમારી પડશે, કેટલી અગવડ પડશે, કેટલું દુ:ખ થશે આ સઘળું વિગતવાર જણાવો.
16) બેનિફિશિયરી એમની પત્ની/પતિ ભારતમાં શું કરે છે? એમની આવક કેટલી છે? એમનું ઘર છે? બંગલો છે? ભાડેથી રહે છે? ગાડી છે? ટુ વ્હીલર છે? ઓફિસ છે? ગોડાઉન છે? આ સઘળી માહિતી આપો. એને લગતા દસ્તાવેજો પણ આપો?
17) બેનિફિશિયરી અને એમની પત્ની યા પતિ અને બાળકો અમેરિકામાં ક્યા રહેશે? શું કરશે? ભારતમાંથી કેટલા પૈસા અમેરિકા લઈ જશે? શું તેઓ અમેરિકાના માથે ભારરૂપ બની રહેશે? નહીં, તો કેવી રીતે? તેઓ અમેરિકાને કઈ રીતે મદદરૂપ થશે?
ઉપલી સઘળી માહિતી અને એના પુરાવાઓ, દસ્તાવેજો, ફોટાઓ આપો. વધુમાં એ પણ જણાવો કે માનવતાના કારણોસર સબસ્ટિટ્યૂશનની અરજી શા માટે મંજુર કરવી જોઈએ.



