કોઈ આર્ટિસ્ટે પોતાની કલાનો ઉપયોગ કરીને ખૂબ સરસ રીતે 6 લખેલા હતા. એક યુવાન આ 6 ને બરાબર જોઈ રહ્યો હતો. એને ખૂબ ગમ્યું એટલે એ બોલ્યો, કેટલી સરસ રીતે આ 6 લખાયેલા છે. એ જ સમયે એમની સામે એક બીજો યુવાન ઊભો હતો. એણે કહ્યું, ભાઈ, તમે બિલકુલ સાચા છો. બહુ જ સરસ રીતે લખાયેલ છે. પરંતુ 6 નહીં 9 લખ્યા છે. આ બાજુ પર રહેલા યુવાને કહ્યું, અરે ભાઈ, આ 9 નથી 6 છે. સામે રહેલા યુવાને કહ્યું, આ 6 નહીં 9 છે. બંને પોતાની જાતને સાચી સાબિત કરવા માટે બરાડા પાડવા લાગ્યા. ત્યાંથી પસાર થઈ રહેલી કોઈ ત્રીજી વ્યક્તિએ આ જોયું. એણે કંઈ વધુ સમજાવ્યા કે સલાહ આપ્યા વગર બંનેના સ્થાન બદલી નાખ્યા અને પછી કહ્યું, હવે બોલો આ 6 છે કે 9? બંને બોલતા બંધ થઈ ગયા. એક બીજાની માફી માંગીને હસતાં હસતાં છૂટા પડ્યા. આપણા જીવનમાં પણ કંઈક આવું જ બને છે. ઘણીવાર એવી ઘટનાઓ બને કે આપણને એમ લાગે હું સાચો છું, મારાં માતા-પિતા કે મિત્રો ખોટા છે. તમે સાચા છો જ એમાં શંકાને કોઈ જ સ્થાન નથી; પરંતુ તમારી સાથે-સાથે તમારાં માતા-પિતા અને મિત્રો પણ સાચાં હોઇ શકે. એ તો આપણે આપણી જાતને એની જગ્યાએ મૂકીને વિચારીએ તો સમજાય. જીવનમાં સ્થાન બદલતા શીખીએ. દીકરા-દિકરી તો રોજ હોઈએ છીએ, ક્યારેક મા-બાપ બનીએ તો એની વેદના સમજાય. માતા-પિતા કે મિત્રો તમારા પર ગુસ્સે થાય કે ખિજાય, ત્યારે બે ક્ષણ તમારી જાતને એની જગ્યાએ મૂકીને વિચારજો. તમારા ચહેરા પરનો ગુસ્સો કદાચ પ્રેમમાં પલટાઈ જશે અને તમારા ચહેરા પર પણ એક મધુરું સ્મિત આવી જશે. જેવું પેલા બંને યુવાનના ચહેરા પર આવ્યું હતું. હે પ્રભુ ! અમે જેઓને સમજતા નથી તેઓનો તિરસ્કાર કે વિરોધ ન કરવામાં અમને સહાયરૂપ થજે.
– વિલિયમ પેન



