તેજસ એરક્રાફ્ટ બનાવવાનો પ્રોજેક્ટ વર્ષોની વિચાર-વિમર્શ પછી આખરે 1984માં શરૂ થયો અને જેટને 2011માં ઔપચારિક રીતે ઉડવા માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યું.
દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ 2024માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.
- Advertisement -
દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના 200 જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે 2.10 કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.
પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.
- Advertisement -
વર્ષ 2001માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે 2001માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.




