રૂ.326 કરોડના ખર્ચે નિર્મિત હવાઈ ટર્મિનલમાં અસુવિધાઓ અને AIIMSમાં પૂર્ણકાલીન તબીબો નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં મોબાઈલ નેટવર્ક, ઇન્ટરનેટ અને વાઇફાઇની સુવિધા ન મળતા હવાઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયો હોવાનું ટ્વિટ કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડા દ્વારા દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડૂને કરવામાં આવી છે. આ સાથે જ રૂ. 326 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા નવા ટર્મિનલમાં ટોયલેટમાં સતત પાણી આવતું નથી. આ ઉપરાંત ગુજરાતની એક માત્ર AIIMSમાં 5 વર્ષ બાદ પણ પૂર્ણકાલીન તબીબો નથી. જેથી તાત્કાલિક ઘટતુ કરવામાં આવે તે જરૂરી છે.
- Advertisement -
રાજકોટ એરપોર્ટની વેબસાઈટ ઉપર જે નંબર લખવામાં આવેલા છે તેમાં ફોન કોઈ વખત અસ્તિત્વમાં આવતો નથી અથવા તો કોઈ પણ ઉપાડતું નથી. પ્રજાના સર્વન્ટ ગણાતા એરપોર્ટ ડાયરેક્ટરની કોઈપણ પ્રકારની માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નથી. જેથી મુસાફરોએ ફરિયાદ કરવી હોય તો ક્યાં કરે તે સૌથી મોટો સવાલ છે. જેથી આ ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને, વેપારીઓ સહિતનાઓને એ અપેક્ષા હતી કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે, પરંતુ તે પણ શરૂ થઈ નથી. ડોમેસ્ટિક ફ્લાઈટ છે ચાલી રહી છે તે પણ ઘણી વખત સમય અનુસાર હોતી નથી અથવા તો મોડી આવે છે. જેથી ઘણી વખત કંટાળીને હવાઈ મુસાફરો રાજકોટથી 180 કિલોમીટર દૂર અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરવાનું પસંદ કરે છે.



