નરસીપરાના રહીશોએ રેડિયેશનના ભયે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું; તાત્કાલિક કામ બંધ કરાવવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના નરસીપરા વિસ્તારમાં હાલમાં મોબાઈલ ટાવર ઊભું કરવાની ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ ટાવર રહેણાંક વસ્તીની સાથે સાથે એક શાળાની પણ અત્યંત નજીક હોવાથી સ્થાનિકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિક નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે ટાવરમાંથી ઉત્પન્ન થતું રેડિયેશન બાળકો સહિત રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને માતા-પિતામાં ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે કિરણોના સતત સંપર્કમાં રહેવાથી બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવાની આશંકા છે. જાહેર હિતને ધ્યાનમાં લઈને રહેણાંક વિસ્તારમાં આવા ટાવરનું નિર્માણ ન થવું જોઈએ તેવી ભારપૂર્વક માંગ સાથે નરસીપરાના રહીશો એકત્ર થયા હતા. તેમણે ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં તેમણે મોબાઈલ ટાવરનું ચાલી રહેલું કામ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની સ્પષ્ટ માંગ કરી હતી. પ્રાંત અધિકારીએ સ્થાનિકોની રજૂઆત સ્વીકારીને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.



