અકસ્માત ઝોન સમાન વંથલી-જૂનાગઢ હાઈવે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢથી વંથલી હાઇવે અકસ્માતો માટે કુખ્યાત બની ગયેલા છે. વંથલી-જૂનાગઢ હાઈવે પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કોયલી ફાટક ઓવરબ્રિજથી વાડલા ફાટક સુધીના વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી જંગલ કટીંગ કરવામાં ન આવતા ગાંડા બાવળના ઝુંડ રસ્તાની વચ્ચે સુધી આવી ગયા છે. જેના કારણે વાહનચાલકોને મજબૂરીમાં રસ્તાની વચ્ચે વાહન ચલાવવું પડે છે, અને ગંભીર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. એક તરફ સરકાર વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે જમીની હકીકત એ છે કે આ મહત્વના માર્ગ પર 4 વર્ષથી સાફ-સફાઈ કે જંગલ કટીંગની તસ્દી લેવાઈ નથી. આ રસ્તો પહેલાથી સાંકડો છે, તેમાં પણ રસ્તાની બંને બાજુ ગાંડા બાવળનું સામ્રાજ્ય છે. આટલું ઓછું હોય તેમ, રસ્તા પર રખડતા ઢોરનો અડીંગો અને રેતી ભરેલા ડમ્પરો તથા પેસેન્જર વાહનોની બેફામ ગતિને કારણે નાના વાહનચાલકોનો જીવ તાળવે ચોંટેલો રહે છે.
- Advertisement -
બાવળથી બચવા વાહન વચ્ચે લેવું પડે છે અને સામેથી આવતા બેફામ વાહનોને કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે. લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ બાવળનું કટીંગ કરવા માંગ ઉઠી છે.સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓની ઉદાસીનતા સામે સવાલ આ રસ્તાની દુર્દશા અંગે સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, જિલ્લાના ધારાસભ્યો તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ અવારનવાર આ જ રસ્તા પરથી પસાર થાય છે. છતાં, 4 વર્ષથી રસ્તા પર ઉગી નીકળેલા આ જોખમી બાવળ તેમને દેખાતા નથી? કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? નેતાઓની આ ઉદાસીનતા જોઈને લોકોને લાગી રહ્યું છે કે વિકાસની વાતો માત્ર કાગળ પર જ સીમિત છે.



