એક વિદેશી હેન્ડલરે કથિત રીતે એનક્રિપ્ટેડ એપ્સ પર ડોક્ટરને 42 ‘બોમ્બ મેકિંગ’ વીડિયો મોકલ્યા હતા, કારણ કે એજન્સીઓ તપાસ કરે છે કે દિલ્હી બ્લાસ્ટ મોડ્યુલ અગાઉ કર્ણાટક અને તમિલનાડુના કેસોમાં જોવા મળેલી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે કે કેમ.
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં વિદેશી ષડયંત્રના પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્વારા વિદેશથી સુસાઇડ બોમ્બિંગના વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલના સભ્યો સાથે શેર કરવામાં આવી રહ્યા હતા.
- Advertisement -
વીડિયો દ્વારા બ્રેઈનવોશિંગ અને તાલીમ
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા એક ડૉક્ટરની પૂછપરછ દરમિયાન સમગ્ર ષડયંત્રની પદ્ધતિનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનીએ તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે મોડ્યુલના વિદેશી હેન્ડલર્સ દ્વારા તેમને આવા ઘણાં વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયોમાં સુસાઇડ બોમ્બિંગના હેતુઓ અને આવી આતંકી પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસાવવી તેની વિગતવાર માહિતી (તાલીમ) આપવામાં આવી હતી. ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમર ઉન નબીનું આ વીડિયો દ્વારા જ બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનું માનવું છે કે,આવા વીડિયોનો ઉપયોગ વિશ્વના અન્ય આતંકી સંગઠનો દ્વારા પણ કરવામાં આવે છે.
આતંકીઓએ જાતે 26 લાખ રૂપિયા એકઠા કર્યાં
- Advertisement -
અહેવાલો અનુસાર, આ આતંકીઓ માત્ર વિદેશી નિર્દેશો પર કામ કરતા નહોતા, પરંતુ તેઓ આતંકવાદી ગતિવિધિઓ માટે પોતાનું ભંડોળ પણ એકઠું કરી રહ્યા હતા. આ આતંકીઓએ પોતે 26 લાખ રૂપિયા એકઠા કર્યાં હતા અને ચાર વાહનો ખરીદ્યા હતા. આ વીડિયો દ્વારા તાલીમ મેળવીને તેઓ પોતાના પૈસાથી બોમ્બ બનાવી રહ્યા હતા અને વિસ્ફોટકો ખરીદી રહ્યા હતા.
ત્રણ વિદેશી હેન્ડલર્સની ઓળખ
તપાસ એજન્સીઓ હવે આ વિદેશી હેન્ડલર્સને શોધવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. દિલ્હી કેસમાં ત્રણ હેન્ડલર્સની ઓળખ ‘હંજુલ્લાહ’, ‘નિસાર’ અને ‘ઉકાસા’ તરીકે કરવામાં આવી છે. જો કે, આ માત્ર કોડ નામો હોઈ શકે છે. ‘હંજુલ્લાહ’ નામનો ઉપયોગ કરનાર વ્યક્તિએ ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનીને આશરે 40 વીડિયો મોકલ્યા હતા. તપાસ એજન્સીઓએ દિલ્હી વિસ્ફોટના સંબંધમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે અને ઘણાં અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે.
બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદનું કાવતરું
ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસના તારણો અનુસાર, લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયેલી કાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કની યોજનાનો સીધો ભાગ હતી. આ કાવતરાનું સંચાલન જૈશ-એ-મોહમ્મદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હ્યુન્ડાઇ i20 કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાની તૈયારી 10 સભ્યોના એક ગ્રૂપ, જેને ‘ટેરર ડૉક્ટર સેલ’ કહેવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવી હતી. આ સેલનું સંચાલન કરનાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો મૌલવી ઇરફાન અહેમદ હતો, જે સીધો જૈશ સાથે સંબંધ ધરાવતો હતો. ઈરફાને અલ-ફલાહ મેડિકલ કૉલેજના ઘણાં ડૉક્ટરને પોતાની સાથે જોડ્યા હતા, આતંકી ઉમર પણ એ જ કૉલેજનો હતો. તપાસ અધિકારીઓ પુષ્ટિ કરે છે કે આ સેલના અન્ય તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.




