સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમી ઉઠ્યા
‘રામ સિયારામ સિયારામ જય જય રામ’ ગીત ગાઈને ભક્તિમયી માહોલ ઊભો કર્યો
- Advertisement -
મ્યુઝિકલ નાઇટમાં હજારો લોકોએ ટોર્ચ લાઈટ દ્વારા ખુશી વ્યક્ત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ’સચેત પરંપરા’ ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના રહેવાસીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જે અંગે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, લગભગ 8 વાગ્યા પહેલા જ ગ્રાઉન્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હતું. રાજકોટવાસીઓ સચેત પરંપરાના કાર્યક્રમને સાંભળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ ઘટના પરથી સાબિત થાય છે કે રાજકોટની જનતા રંગીલી છે અને સાંસ્કૃતિક પ્રેમી છે, અને તેઓ સંગીતને કેટલો પ્રેમ કરે છે. સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, બોલીવુડ નાઈટમાં સચેત પરંપરાની પસંદગીનું મુખ્ય કારણ એ છે કે, તેઓ ભક્તિમય ગીતોની સાથે બોલીવુડના ગીતો ગાયા. આ સિંગર્સ યુવાનોથી લઈને વૃદ્ધો સુધી, તમામ વયના લોકોને પસંદ છે, જેના કારણે તેમનો ક્રેઝ ખૂબ વધારે છે. રાજકોટની જનતાએ આ કાર્યક્રમમાં બહોળી હાજરી આપીને તેને સફળ બનાવ્યો હતો અને મનપાનો 52મો સ્થાપના દિવસ યાદગાર બની ગયો છે. કાર્યક્રમનાં પ્રારંભ પૂર્વે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભારત બોધરા, મ્યુ કમિશનર તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને દંડક મનીષ રાડીયા તેમજ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતના આવી પહોંચ્યા હતા અને તમામે અંત સુધી કાર્યક્રમને માણ્યો હતો.
ગુજરાતી ભાષા અને જનતા ખુબ જ પ્રેમાળ અને લાગણીશીલ : સચેત અને પરંપરા
બોલીવુડની જાણીતી સિંગર જોડી સચેત અને પરંપરા આજે રાજકોટના મહેમાન બન્યા હતા. અનેક હિટ ગીતો આપનાર આ સીંગર જોડીએ કહયું હતું કે, કોઈ પણ ગીત તેની ગાયકી, તર્જ, શબ્દોની સુંદરતાને આધારે જ હિટ થાય છે. રાજકોટમાં આ જંડી મહાપાલિકાના સ્થાપના દિને કાર્યક્રમ આપવા આવી હતી. તેમણે કહયું હતું કે, આજે લોકોને મેલોડિયસ ટચવાળા ગીતો ગમતા હોયછે સારુ સંગીત હંમેશા લોકચાહના મેળવતું આવ્યું છે. તેમના રાંઝણ રાંઝણ ગીતમાં પિયાનો થીમની કોપી થવા અંગેના વિવાદનો સવાલ ઉઠતા સચેત ટંડને કહ્યું હતું કે જયારે તમે સફળ થાવ ત્યારે લોકોનો પ્રેમ ખુબ મળે છે સાથે સાથે કેટલાક લોકો આંગળીઓ પણ ચીંધી ઘણી સ્ટોરીઓ પણ એક તરફી બનાવી નાખતા હોય છે. આવી વાતોમાં અમે ધ્યાન નથી આપતા. પરંપરાએ ગુજરાતની જનતા ખુબ પ્રેમાળ હોવાનું જણાવતા કહયું હતું કે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિથી તે થોડી વાફેક છે . આજે સવારે મેં નાસ્તામાં ગુજરાતી વાનગીઓનો લુફ્ત ઉઠાવ્યો હતો. ફાફડા અને જલેબી, થેપલા અને ખાંડવીએ મજા કરાવી દીધી.રાજકોટ ગમી જાય તેવું શહેર હોવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ જોડીએ કહયું હતું કે, કોઈ પણ કામમાં ડૂબી જાવ તો સફળતા મળે જ છે.
- Advertisement -
કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાતા વચ્ચે થોડો સમય કાર્યક્રમ થંભાવવો પડ્યો હતો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં સચેત-પરંપરા ગાયક કલાકારોની સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. જેમાં ચિક્કાર મેદની ઉમટી પડી હતી. કાર્યક્રમમાં વ્યવસ્થા ચીંથરેહાલ થતા વચ્ચે થોડો સમય કાર્યક્રમ થંભાવવો પડ્યો હતો. લોકોએ નારાજગી સાથે જણાવ્યું કે ભાજપના કોર્પોરેટરો, તેમના માનીતા આગળ સોફામાં બેસી ગયા અને પાછળ જનતા માટે બેસવાની વ્યવસ્થા ન્હોતી. એક તબક્કે ખુદ કલેક્ટરરે ઉભા થઈને જનમેદનીને સમજાવવી પડી હતી.



