આશ્ચર્યજનક અકસ્માતમાં આધેડનું મોત થયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે એક વિચિત્ર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાડીએ ચાલીને જતા આધેડને બાઈક ચાલકે ઠોકર મારતા આધેડ કેનાલમાં પડી જતા મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈ આજુબાજુના વાડીમાં કામ કરતા મજૂરો દ્વારા તાત્કાલિક કેનાલમાંથી આધેડને બહાર કાઢવામાં આવ્યા હતા જે બાદ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે રહેતા આશરે 55 વર્ષીય કેશાભાઈ ઉકાભાઈ પરમાર બુધવારે બપોરના સમયે પોતાની વાડી ખાતે જતા હોય તે દરમિયાન નર્મદા કેનાલ પાસે પહોચતા સામેથી આવતા અજાણ્યા બાઇક ચાલકે આધેડને ઠોકરે લીધા હતા જેમાં આધેડ કેનાલમાં પડી જતા આજુબાજુના ખેતરમાં કામ કરતા મજૂરો ઘટના સ્થળે દોડી જઈ આધેડને કેનાલમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા આધેડને મૃત જાહેર કર્યા હતા. આ તરફ મૃતક આધેડના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે પહોંચી પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસે હાલ એ.ડી (એક્સિડેન્ટલ ડેથ)નો ગુનો નોંધી અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ આદરી છે.



