કેપ્ટન તરીકે છેલ્લી મેચ હાર્યો કોહલી
કોહલી થયો ભાવુક: મેચ હાર્યા પછી વિરાટ રડી પડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સોમવારે IPL 2021ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારી ગયું હતું. આ કેપ્ટન તરીકે વિરાટ કોહલીની RCB માટે છેલ્લી મેચ હતી. મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે તેણે પોતાની તરફથી 120 ટકા સારું પ્રદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, વિરાટે એવી પણ જાહેરાત કરી હતી કે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય અન્ય કોઇ ટીમ સાથે જોડાશે નહીં. કેપ્ટન તરીકે છેલ્લી મેચ રમવા પર વિરાટ કોહલીએ કહ્યું કે મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપેલ, હું યુવાનોને અહીં આવવા અને આક્રમક રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં ભારતીય ટીમ સાથે પણ આવું કર્યું છે. મેં મારી તરફથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો પ્રતિસાદ શું હતો, હું કહી શકતો નથી. મેં મારું 120 ટકા આપ્યું છે, ભવિષ્યમાં પણ હું ખેલાડી તરીકે મેદાનમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.
- Advertisement -
વિરાટ કોહલીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ફરી એક વખત ટીમ બનાવીએ અને એવા લોકોને લાવીએ જે ટીમને આગળ લઈ જઈ શકે. વિરાટે કહ્યું કે તે આરસીબી સાથે જોડાયેલો રહેશે, મારા માટે લોયલ્ટી ઘણી મહત્વની છે, આ ફ્રેન્ચાઈઝીએ મારા પર વિશ્ર્વાસ કર્યો છે, તેથી હું મારી છેલ્લી IPL મેચ તેની સાથે જ રહીશ.
વિરાટ કોહલી IPLની શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલો છે. 2013થી તે સતત ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ વિરાટ કોહલી પોતાની ટીમ માટે એક વખત પણ IPL ટ્રોફી જીતી શક્યો નથી. વિરાટ કોહલીએ આ વર્ષે IPL 2021 ના બીજા તબક્કાની શરૂઆત પહેલા કેપ્ટનશીપ છોડવાની વાત કરી હતી.