ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવાની સૂચના આપ્યા બાદ, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓના મરામતનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
- Advertisement -
મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ રસ્તાની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કરનારાઓમાં કમિશનર તેજસ પરમાર, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, અને શાસક પક્ષના દંડક મનન અભાણી સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો. ટીમ દ્વારા જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 9, ગીરીરાજ મેઈન રોડ, જવાહર રોડ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આગામી સમયમાં જે નવા રોડ-રસ્તાના મરામતની કામગીરી શરૂ થનાર છે, તેનું પણ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.



