યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક મોટો વળાંક આવી શકે છે. સોમવારે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ યુક્રેનને આગામી 10 વર્ષમાં ફ્રાન્સ પાસેથી 100 રાફેલ ફાઈટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય હથિયાર મળશે. ઝેલેન્સ્કીએ તેને ‘વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ’ ગણાવી છે. પરંતુ શું આ જેટ યુદ્ધની દિશા બદલી નાખશે? અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો શું જવાબ હશે?
રાફેટ જેટ શું છે અને તે કેમ ખાસ છે?
- Advertisement -
રાફેલ ફ્રાન્સનું સૌથી એડવાન્સ ફાઈટર વિમાન છે. તે ચોથી પેઢીનું મલ્ટી-રોલ જેટ છે, જે હવામાં લડાઈ, લાંબા અંતરના હુમલા અને મિસાઈલ રોકવાનું કામ કરી શકે છે. એક જેટની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે. ફ્રાન્સે અગાઉ યુક્રેનને મિરાજ જેટ આપ્યા હતા, પરંતુ રાફેલ પહેલી વાર આપવામાં આવી રહ્યા છે.
આ જેટ અમેરિકન F-16 જેટની જેમ કામ કરે છે. યુક્રેન પાસે હાલમાં માત્ર 9 F-16 અને 2 મિરાજ છે, બાકીના જૂના સોવિયેત વિમાનો છે. રાફેલ જેટની એન્ટ્રીથી યુક્રેનની હવાઈ તાકાત મજબૂત થશે. નિષ્ણાતો કહે છે કે, તે રશિયન મિસાઈલો અને ડ્રોનને સરળતાથી અટકાવી શકશે. જોકે, પ્રથમ જેટ આવવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે, કારણ કે પાયલટ્સને ટ્રેનિંગ આપવી પડશે.
ડીલ કેલી રીતે થઈ અને તેમાં શું-શું છે?
- Advertisement -
17 નવેમ્બર 2025ના રોજ પેરિસના વિલાકોબ્લે એરબેઝ પર બંને પ્રમુખોએ લેટર ઓફ ઈન્ટેન્ટ (કરાર પત્ર) પર હસ્તાક્ષર કર્યા. આ કોઈ ફાઈનલ કોન્ટ્રાક્ટ નથી પરંતુ ભવિષ્યની ખરીદ માટેની યોજના છે. આ ડીલમાં શામેલ છે…
100 રાફેલ F4 જેટ: 2035 સુધીમાં ડીલિવરી.
ડ્રોન અને રડાર: હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરવા માટે.
SAMP/T એર ડિફેન્સ સિસ્ટમ: આ અમેરિકન પેટ્રિઅટ કરતાં રશિયન મિસાઈલોને વધુ સારી રીતે અટકાવે છે.
ફ્રાન્સ EU પ્રોગ્રામ અને રશિયાના ફ્રીઝ્ડ એસેટ્સ (જપ્ત સંપત્તિ)માંથી પૈસા આપશે. યુક્રેન પણ કો-પ્રોડક્શન પર વિચાર કરી રહ્યું છે, જેથી જેટ ખુદ બનાવી શકે. આ ડીલ સ્વીડન સાથે 150 ગ્રિપેન જેટની ડીલ બાદ થઈ છે. યુક્રેનની યોજના 250 નવા વિમાનોથી હવાઈ તાકાત બનાવવાની છે.
યુદ્ધ પર શું પડશે અસર?
યુક્રેનની હવાઈ શક્તિ એક મોટી સમસ્યા છે. રશિયા દર મહિને 6,000 ગ્લાઈડ બોમ્બ ફેંકે છે, જે સરહદ પરના શહેરોને તબાહ કરી રહ્યા છે. તાજેતરમાં જ ખાર્કિવ અને બાલાક્લિયામાં રશિયન હુમલાઓમાં ડર્ઝનો નાગરિકો માર્યા ગયા હતા. રાફેલથી યુક્રેન લાંબા અંતરના હુમલા કરી શકશે અને રશિયન વિમાનોને પાછળ ધકેલી શકશે.




