પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કૉસ્ટલ હાફ મેરેથોન યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ પોરબંદરના આયોજન હેઠળ પોરબંદર ચોપાટી બીચ પરથી કોસ્ટલ હાફ મેરેથોન-2025 નો ભવ્ય પ્રારંભ થયો હતો. શહેરની આ સૌથી મોટી દોડ સ્પર્ધામાં પોરબંદર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત રાજ્યના વન-પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયાએ દોડવીરોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દોડ માત્ર રમત નથી પરંતુ એનર્જી, પ્રેરણા અને ફિટનેસનું પ્રતિક છે. પોરબંદરમાં યુવાનોને સક્રિય બનાવવા માટે શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ આવું આયોજન કરે છે તે પ્રશંસનીય છે. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે રમતગમત જીવનશૈલીનો મહત્વનો ભાગ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશને ‘ફિટ ઇન્ડિયા’ તરફ આગળ વધારવા અનેક પહેલ ચાલી રહી છે. પોરબંદર સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાને ફિટ ઇન્ડિયાની રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના માર્ગદર્શન હેઠળ દેશ 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક ગેમ્સ માટે સજ્જ થઈ રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું. તેમણે જણાવ્યું કે પોરબંદરમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા 112 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ડોર સ્ટેડિયમ નિર્માણ માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. આગામી સમયમાં પોરબંદર નવી રમતગમત સુવિધાઓ સાથે વધુ પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચ પર આગળ ધપાવશે. જે મેરેથોનમાં 2 કિમી કિડ્સ રન, 5 કિમી સ્માર્ટ ફન વોક, 5 કિમી ફિટનેસ રન, 10 કિમી ફિટનેસ રન અને 21 કિમી હાફ મેરેથોન જેવી વિવિધ કેટેગરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ કેટેગરીઓનો પ્રારંભ પોરબંદર ચોપાટી બીચ પરથી થયો હતો. દોડમાં વિજેતાઓ માટે રૂ. 1,50,000થી વધુના રોકડ ઇનામો, પ્રમાણપત્રો અને આકર્ષક ગિફ્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરની અનેક સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. મુખ્ય સ્પોન્સર્સ અને વિવિધ સામાજિક સંસ્થાઓના યોગદાનથી મેરેથોનનું આયોજન વધુ અસરકારક બન્યું હતું.
શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો, દોડપ્રેમીઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકાના નાયબ કમિશનર હર્ષભાઈ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક સુરજીતભાઈ મહેડુ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શ્રી રામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. કોસ્ટલ હાફ મેરેથોન-2025 પોરબંદરની રમતગમત સંસ્કૃતિને નવી ઊંચાઈએ લઇ જવામાં સફળ સાબિત થઈ હોવાનું સૌએ જણાવ્યું હતું.



