સુરેન્દ્રનગર શહેર બનશે ‘વાયર અને થાંભલા મુક્ત’
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી GOG-Robust યોજના (અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક) અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે અંદાજિત રૂ. 60 કરોડના ખર્ચે થનારા આ અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર થયો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના નાગરિકોને વીજળી સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવાનો છે.
- Advertisement -
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ યોજના સુરેન્દ્રનગર જિલ્લાનું લાંબા સમયથી જોવાયેલું સ્વપ્ન છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સુરેન્દ્રનગર શહેરને ’વાયર મુક્ત’ અને ’થાંભલા મુક્ત’ બનાવવાનો છે, જેનાથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાવરહાઉસ ફીડર અને હાટકેશ્વર ફીડર એમ બે ફીડરમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મકવાણાએ શહેરના અન્ય વિસ્તારોને પણ આવરી લેવાની સરકારની યોજના વિશે માહિતી આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાકીના 10 નવા ફીડરો માટે પણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, અને તેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ સહિત સુરેન્દ્રનગર સિટીના સમગ્ર વિસ્તારને આગામી ચાર વર્ષમાં વાયર મુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે.
અંડરગ્રાઉન્ડ કેબલિંગના સીધા ફાયદાઓ ગણાવતા નાયબ મુખ્ય દંડક મકવાણાએ કહ્યું કે, ૠઘૠ-છજ્ઞબીતિં યોજના ગુજરાતના વીજળી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માળખાગત સુધારાનું પગલું છે. આ વિકાસ કામ થકી નાગરિકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે. ભૂગર્ભમાં લાઈનો જવાથી ચોમાસામાં વાવાઝોડા કે બે તાર ભેગા થવાથી વીજળી ડૂલ થવાના બનાવો હવે નહીં બને, જેનાથી લાખો વીજ ગ્રાહકોને વિશ્વસનીય અને અવિરત વીજળીનો લાભ મળશે. સાથે જ, મકરસંક્રાંતિ દરમિયાન પતંગના દોરા કે વાયરથી થતા શોર્ટ સર્કિટના જોખમી બનાવો પણ દૂર થશે. થાંભલાઓ દૂર થવાથી રસ્તાઓ પહોળા દેખાશે, દબાણની સમસ્યા હળવી થશે, અને શહેર ખરા અર્થમાં સુંદર અને રળિયામણું લાગશે. આ પ્રસંગે રાજ્ય સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજનાના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને હવે દિવસે સિંચાઈ માટે વીજળી મળી રહી છે. વધુમાં, લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર એ સરકારની યોજના છે. ખોટી અફવાઓમાં ના આવી દરેકે સ્માર્ટ મીટર લગાવવુ જોઈએ. હાલ જિલ્લામાં 40,000 સ્માર્ટ મીટર લાગી ગયા છે અને કામગીરી ચાલુ જ છે.
કાર્યક્રમની શરૂઆતમાં પીજીવીસીએલ, વર્તુળ કચેરી, સુરેન્દ્રનગરના કાર્યપાલક ઈજનેર એન.એન.અમીનએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, દેવાંગભાઈ રાવલ સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



