ખેલ મહાકુંભમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી હૈદરાબાદ ખાતે યોજાનારી 25મી નેશનલ સ્પર્ધા માટે પસંદગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના ઈ.સી. એન્જિનિયરિંગ વિભાગના પ્રાઘ્યાપક ડો. સ્નેહાબેન પંડ્યાએ નેશનલ લેવલે જવલંત સિદ્ધિ મેળવી છે. તા. 15 થી 18 નવેમ્બર દરમિયાન હૈદરાબાદ ખાતે યોજાનાર 25મી નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં તેઓ ગુજરાતના આઠ મહિલા પ્રતિનિધિઓ પૈકીના એક તરીકે ભાગ લેશે. પ્રિન્સિપાલ ડો. પિયુષભાઈ વણઝારાએ જણાવ્યું કે, રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં ડો. સ્નેહાબેને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અને 190 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો, જેના આધારે તેમની પસંદગી નેશનલ ગેમ્સ માટે થઈ છે. છેલ્લા 23 વર્ષથી સંનિષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. સ્નેહાબેનની આ રમતગમત ક્ષેત્રની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ અને તમામ કર્મચારીગણે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.



