છ મહિના અમદાવાદ અને રીબડામાં જ હોવાની કબૂલાત: પિતા-પુત્ર એક જ જેલમાં
ગોંડલ જેલ બંધ ફાયરિંગ કેસના આરોપીથી જાનનું જોખમ હોવાની રજુઆત માન્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં છ મહિના સુધી વોન્ટેડ રહ્યા બાદ રાજદિપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરન્ડર કરતા જેતપુર સીટી પીઆઇ પરમાર સહિતે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરતા પોતે અમદાવાદમાં આવેલા ફલેટ અને રીબડામાં આવેલા એક ફાર્મહાઉસમાં આશરો લીધો હોવાની કબૂલાત આપી હતી રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કરતા પોલીસે જૂનાગઢ જેલ હવાલે કર્યો છે છ મહિના દરમિયાન પોલીસે આરોપીને પકડવા અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડ્યા હતા પરંતુ અમદાવાદનાં જે ફલેટમાં રોકાયાનું રાજદીપસિંહ જણાવે છે તે ફલેટ વિશે પોલીસ પાસે માહિતી ન હોવાથી ત્યાં પોલીસે તપાસ કરી ન હતી રાજદિપસિંહ દુબઈ કે બીજા કોઈ દેશમાં ભાગી ગયાની પણ માહિતી મળી હતી. આ બાબતે પાસપોર્ટ નંબરના આધારે વિદેશ ભાગી ગયા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
રાજયભરમાં ચર્ચાસ્પદ બનેલા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહે ગોંડલ સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોઈ જગ્યાએથી રાહત નહીં મળતાં છ માસ બાદ તેણે ગત સોમવારે રાત્રે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સરેન્ડર કર્યું હતું. ત્યાર પછી પોલીસે તેની વીધીવત ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ગત સાંજે રિમાન્ડ પુરા થતાં તપાસનીશ પીઆઈ એ.ડી. પરમારે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ વખતે રાજદિપસિંહ તરફથી રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરનાર એક આરોપી ગોંડલ સબ જેલમાં હોવાથી પોતાની જાન ઉપર જોખમ હોવાની અને જૂનાગઢ જેલમાં મોકલવાની રજૂઆત કરાઈ હતી. જે ધ્યાને લઈ કોર્ટે તેને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. તેના પિતા અનિરૂધ્ધસિંહ પણ હાલ જૂનાગઢ જેલમાં જ છે. મોડી સાંજે તેને પોલીસ જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. જયારે જુનાગઢનો રહીમ મકરાણી નામનો આરોપી હજૂ પણ પોલીસ પકડથી દૂર છે.



