રખડતાં શ્ર્વાન સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દરેક રાજ્યની સરકાર એકશન મોડમાં આવી
17 વર્ષમાં 26 કરોડના ખર્ચે 14 હજાર શ્વાનની ખસી કરાઈ, હજુ 26,500ની બાકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રખડતા શ્વાન સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દરેક રાજ્યની સરકાર એકશન મોડમાં આવી છે. રાજકોટ મનપા પાસેથી પણ રોજ કેટલા લોકોને શ્વાન કરડે છે, આવું ન બને તે માટેનો ઉપાયો શું? સહિતની વિગતો માગી છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 17 વર્ષમાં 26 કરોડ (સરકાર એક શ્વાનના ખસીકરણ માટે 3100 રૂપિયા ચૂકવે છે તે મુજબ) ખર્ચે 84 હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું. હજુ પણ 26500 શ્વાન રાજકોટની શેરી ગલીમાં ફરી રહ્યા છે. 2025ના 10 મહિનામાં જ 14105 લોકોને શ્વાને બચકાં ભરી લીધા છે. આ ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં શ્વાનના કરડવાનો ભોગ બને છે. હવે સરકારે તમામ માહિતી માગી છે ત્યારે આગામી દિવસોમાં નવો એક્શન પ્લાન કદાચ અમલમાં આવશે. રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને શહેરમાં કેટલી હોસ્પિટલ, શાળા-કોલેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવ્યા છે તેનું લિસ્ટ આઉટ તૈયાર કરી મોકલવા આદેશ કરાયો છે જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારીઓ હાથ ધર્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. આ માહિતીમાં સંસ્થાઓની બાઉન્ડ્રી કેટલી ઊંચી છે, સિક્યુરિટીની શું વ્યવસ્થા છે, મુખ્ય અને અન્ય પ્રવેશ દ્વારો પર રખડતા કુતરા કેમપસમાં ન પ્રવેશ તે માટે શું વ્યવસ્થા રાખી છે તે સહિતી માહિતી માગી છે અને દરેક સંસ્થામાં નોડલ ઓફિસર નિમણૂક કરવા તાકિદ કરી છે.
રાજકોટ શહેરમાં રખડતાં શ્વાનનો ભય એટલી હદે પ્રસરી ગયો છે કે અમુક વિસ્તારોમાં રાત્રે તો ઠીક દિવસે પણ સિનિયર સિટિઝનો અને બાળકોને એકલા પસાર થવામાં જોખમ રહેલું છે. આ વિસ્તારના રહીશો દ્વારા આવા રખડતાં શ્વાનના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં જીવદયાપ્રેમીઓના ભયે મહાનગરપાલિકાનું તંત્ર આવા કૂતરાંઓને રિહેબ કરતી નથી. તેમજ અમુક વિસ્તારોમાં સતત રજૂઆતના પગલે કૂતરાં પકડ્યા બાદ મહાપાલિકાની ટીમે પરત મૂકવા જવા પડ્યાના કિસ્સાઓ પણ સાંભળવા મળી રહ્યા છે. બીજીબાજુ રખડતાં કૂતરાંઓના ત્રાસના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢ્યા બાદ મનપાનું તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને રાજ્ય સરકારે માગેલી માહિતી એકઠી કરવા માટે આરોગ્ય વિભાગ, ડીઇઓ તંત્ર અને શાસનાધિકારી કચેરી પાસે માહિતી માગી છે.
કૂતરાંના ખસીકરણ માટે એજન્સીઓ આવતી નથી
શહેરમાં એક અંદાજ મુજબ 26500 જેટલા કૂતરાં છે. મહાનગરપાલિકાએ રખડતાં શહેરી કૂતરાંની વસતી કાબૂમાં લેવા માટે થોડા સમય પહેલાં ખસીકરણ સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી, પરંતુ તેમાં માત્ર એક જ એજન્સીએ રસ દાખવ્યો હતો.
- Advertisement -
21મી નવેમ્બર સુધીમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે માગેલી માહિતી પૂરી પડાશે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે શહેરમાં કેટલી હોસ્પિટલ છે, શાળા-કોલેજ છે, રેલવે અને બસ સ્ટેશન છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની વિગતો માગી છે. જે મુજબ ડીઇઓ તંત્ર, આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાના અન્ય લગત વિભાગ પાસે માહિતી એકત્રિત કરવાનું શરૂ કરાયું છે અને ટૂંક સમયમાં આ માહિતી રાજ્ય સરકારને મોકલી અપાશે.
10 મહિનામાં આટલા લોકોને કરડ્યા કૂતરાં
મહિનો લોકો
જાન્યુઆરી 1644
ફેબ્રુઆરી 1363
માર્ચ 1377
એપ્રિલ 1386
મે 1387
મહિનો લોકો
જૂન 1302
જુલાઇ 1475
ઓગસ્ટ 1358
સપ્ટેમ્બર 1322
ઓક્ટોબર 1492



