Dy. CM હર્ષ સંઘવીના OSD અને જૂનાગઢ એસપીએ સંવેદના દાખવી
પિતાની સારવાર માટે વેચેલી જમીનના બાકી રૂ. એક લાખ પરત અપાવ્યા
- Advertisement -
જમીન દલાલોને પોલીસે કડક ભાષામાં વાત કરતા ભૂલ સ્વીકારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢની એક કરુણ કથામાં સરકારી બાબુઓની કઠોરતાની સામાન્ય માન્યતાને ખોટી પાડતી સંવેદનશીલતા જોવા મળી છે. જૂનાગઢ બાયપાસ પાસે મધુરમ સોસાયટીમાં રહેતી ભાવિકા જોષી નામની મા-બાપ વિહોણી બ્રાહ્મણ દીકરી અને તેના નાના ભાઈની આપવીતીએ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીના ઘજઉ આશિષ વાળાને પણ ભાવુક કરી દીધા હતા, અને તેમણે તત્કાળ ન્યાય અપાવવા આદેશ કર્યા હતા. ભાવિકાના માતાનું અવસાન 2016માં થયું હતું. મૃત્યુના અંતિમ ક્ષણે માતાએ પોતાની મરણ મૂડી, એક નાની પોટલીમાં બાંધેલું સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી, ભાવિકાને આપી હતી. 2021માં પિતા ભગવાનજીભાઈને બ્લડ કેન્સર થતાં, તેમની સારવાર માટે ભાવિકાએ માતાની આ આખરી નિશાની ગણાતું સોનાનું મંગળસૂત્ર બેંકમાં મૂકી 1 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લીધી હતી. વધુ સારવાર માટે પૈસાની જરૂર પડતાં, ભાવિકાએ પિતાના નામે વિસાવદર તાલુકામાં આવેલી 4 વીઘા જમીન જૂનાગઢના બે જમીન દલાલોને માત્ર 4 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. દસ્તાવેજ વખતે દલાલોએ 3 લાખ આપ્યા અને બાકીના 1 લાખ રૂપિયા જમીનની એન્ટ્રી પડ્યા બાદ આપવાની શરત રાખી હતી. તમામ રકમ પિતાની સારવારમાં ખર્ચાઈ ગઈ, પરંતુ 2022માં પિતા પ્રવીણભાઈનું પણ અવસાન થયું. માતા-પિતાના અવસાન બાદ ભાવિકા અમૂલ ડેરી ફાર્મમાં નોકરી કરીને પોતાનું અને ભાઈનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ તેને રંજ હતો કે માતાની નિશાની બેંકમાંથી છૂટી જાય. આ માટે તે જમીન દલાલો પાસે વારંવાર પોતાના લેણા 1 લાખ રૂપિયાની માંગણી કરતી હતી, પરંતુ દલાલોએ રૂપિયા આપવાના બદલે ગાળો બોલી તેને ધમકાવવાનું શરૂ કર્યું. અનેક લોકો, આગેવાનો અને પોલીસ તંત્ર પાસે ગયા પછી પણ ભાવિકાને ન્યાય ન મળ્યો. આ વાતની જાણ બ્રહ્મ અગ્રણી જયદેવ જોશીને થતાં, તે ભાવિકાને લઈને ગાંધીનગર સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. ચેમ્બરમાં સાહેબ આવે તે પહેલાં ઘજઉ આશિષ વાળા ભાવિકાને મળ્યા. ભાવિકાની 2016થી 2025 સુધીની તમામ આપવીતી સાંભળીને કોમળ હૃદયના આ ઓફિસર પણ ગદગદિત થઈ ગયા હતા. વાળાએ તરત જ જૂનાગઢ એસ.પી.ને ફોન કરીને દીકરીને ન્યાય અપાવવા અને તેની લેણી રકમ પરત અપાવવાના તત્કાળ આદેશ કર્યા હતા. બીજા જ દિવસે જૂનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરા પણ ભાવિકાને બોલાવી તેની આપવીતી સાંભળી અને સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર સાવજને કાર્યવાહી કરવા સૂચના આપી. પી.આઇ. સાવજ સાહેબે ભાવિકાની અરજી મળતાં જ તે બંને જમીન દલાલોને પોલીસ સ્ટેશન બોલાવી દીકરીની હાજરીમાં કડક ભાષામાં દબાવ્યા. પરિણામે, બંને શખ્સોએ ભૂલ સ્વીકારી ભાવિકાબેનને તેમની લેણી રકમ એક લાખ રૂપિયા તત્કાળ પરત આપી દીધી. એસ.પી. અને પી.આઇ. સાવજ પણ ભાવુક થઈને દીકરીની સ્વમાનભેર જીવવાની હિંમત અને સંઘર્ષને બિરદાવ્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું કે સરકારી તંત્રમાં પણ માનવતા અને સંવેદનશીલતા જીવંત છે.



