ખેડૂતો સાથે સંવાદ કરી નુકસાનની માહિતી મેળવી; સરકાર સહાય માટે પ્રતિબદ્ધ: અર્જુનભાઈ મોઢવાડિયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. મંત્રીએ રાણાવાવ તાલુકાના ઠોયાણા અને જાંબુ ગામો તેમજ કુતિયાણા તાલુકાના કોટડા અને બાલોચ ગામોની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે પાકમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી અને ખેડૂતોએ વ્યક્ત કરેલી ચિંતાઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર તેમની સાથે છે અને પાકને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર મળી રહે તે માટે ત્વરિત સર્વે કામગીરી હાથ ધરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂત હિતને પ્રાથમિકતા આપે છે અને સમયસર સહાયરૂપ બનવા પ્રતિબદ્ધ છે.
- Advertisement -
જે પ્રસંગે કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા, રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વીરાભાઈ મકવાણા, તેમજ ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ ભરતભાઈ પરમાર, લીલાભાઈ રાવલિયા, રામભાઈ બાપોદરા, મસરીભાઈ ખુટી, રમેશભાઈ પટેલ, અશોકભાઈ મોઢા, સામતભાઈ ઓડેદરા સહિતના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. મંત્રીએ અંતે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા થયેલા સર્વેના આધારે સરકાર યોગ્ય પગલાં લેશે અને કોઈ ખેડૂત નુકસાનમાં એકલો ન રહે તે માટે તમામ સ્તરે મદદરૂપ બનવામાં આવશે.



